રાજકોટ અને સૌરાષ્ટ્રમાં સંગઠનમાં મોટું નામ ધરાવતા પૂર્વ ધારાસભ્ય રમેશ રૂપાપરા અને મનપાના પૂર્વ સ્ટે.કમિટી ચેરમેન નીતિન ભારદ્વાજનો વોર્ડ નં.11માં હુરિયો બોલાવાતા ઉમેદવારોને દોડી જવું પડ્યું હતું.
સંગઠનના નેતા રમેશ રૂપાપરા સામાન્ય રીતે સક્રિય રાજકારણમાં સામે દેખાતા નથી પડદા પાછળ કામ કરતા હોવાની છાપ છે.
જોકે આ ચૂંટણીમાં વોર્ડ નં.11માં તેઓ છેલ્લા 3 દિવસથી ફરી રહ્યા છે. તેમની સાથે પૂર્વ સ્ટે.કમિટી ચેરમેન અને સ્વ.વિજય રૂપાણી સીએમ હતા ત્યારે પડ્યો બોલ ઝીલાતા એવા નીતિન ભારદ્વાજ ફરી રહ્યા છે.
આ બંને કાર્યકરો સાથે બેઠક કરી રહ્યા છે તેમજ વિસ્તારમાં લોકો સાથે બેઠક કરી રહ્યા છે. આ દરમિયાન બુધવારે રાત્રિના અર્જુન પાર્ટી પ્લોટ પાછળ આવેલા હાઈરાઈઝ બિલ્ડિંગમાં બેઠક રાખી હતી. આ દરમિયાન ટિકિટ ફાળવણી અને વિસ્તારવાસીઓને સુવિધા આપવા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં બંનેએ લોકોને શાંત થઈ બેસી જવા કહ્યું હતું.