ગુજરાતમાં આગામી 7 દિવસ આગઝરતી ગરમીની આગાહી કરવામાં આવી છે. 24 તારીખથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર સહિતના શહેરોમાં તાપમાનનો પારો 43 સુધી પહોંચવાની શક્યતા છે. તો બીજી તરફ દરિયાઈ વિસ્તારમાં ભેજ અને ઊંચા તાપમાનના કારણે લોકો અકળામણ અનુભવશે. 26 એપ્રિલે મતદાનના દિવસે પણ રાજ્યમાં મહત્તમ તાપમાન 40 થી 43 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એકે દાસના જણાવ્યા અનુસાર, 22 થી 28 એપ્રિલ દરમિયાન ગુજરાત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે. આગામી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.જોકે, 24, 25 અને 26 એપ્રિલ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાઈ શકે છે. ત્યારબાદ ફરીથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 અને 25 એપ્રિલ દરમિયાન ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાં ભેજનું પ્રમાણ અને ઊંચા તાપમાનને કારણે સામાન્ય કરતાં વધુ અકળામણ અનુભવાશે. અમદાવાદમાં આકાશ મુખ્યત્વે સાફ રહેશે અને મહત્તમ તાપમાન 41 થી 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.