રાજકોટ રેન્જ IGએ મહિલા PI સહિત 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા

રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના માખાવડ ગામે ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનીટરીંગ સેલે (SMC) કરેલી રેડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયા બાદ પોલીસ વિભાગમાં મોટો આંચકો આવ્યો છે. સ્થાનિક પોલીસની બેદરકારીને પગલે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે કડક કાર્યવાહી કરતા લોધીકાના મહિલા પીઆઈ સહિત છ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.

ફાર્મ હાઉસમાં દરોડો અને મુદ્દામાલની જપ્તી ચૂંટણીના માહોલ વચ્ચે દારૂની હેરાફેરી અટકાવવા સક્રિય થયેલી SMCની ટીમે લોધીકાના માખાવડ ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ફાર્મ હાઉસમાંથી ₹11.26 લાખની કિંમતની 739 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી રાજકોટના ઉમિયા ચોક વિસ્તારમાં રહેતા અજય રમેશભાઈ ભરડાની ધરપકડ કરી છે. તેની પાસેથી દારૂ ઉપરાંત એક બાઇક અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો મવડી વિસ્તારના નામચીન બુટલેગર ઉમંગ કામાણીએ રાજસ્થાનથી મંગાવ્યો હતો. પોલીસે હવે ઉમંગ કામાણી અને દારૂ મોકલનાર રાજસ્થાની શખ્સો સામે ગુનો નોંધી તેમની શોધખોળ તેજ કરી છે.

રેન્જ IGએ 6 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કર્યા સ્થાનિક પોલીસની નાક નીચે આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઉતરતા અને SMC દ્વારા કાર્યવાહી થતા લોધીકા પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં આવી હતી. રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે આ મામલે કડક વલણ અપનાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *