સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલિકા અને પંચાયતની આશરે 10 હજાર બેઠકો પર હવે ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. રાજ્ય ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ રાજ્યભરમાં કુલ 39,349 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાંથી 1,654 ફોર્મ પાછા ખેંચાયા, 11,433 ફોર્મ રદ થયા, જ્યારે 694 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. હાલમાં 10,005 સીટ પર કુલ 25,568 ઉમેદવાર વચ્ચે સ્પર્ધા છે.
હવે રાજકીય પક્ષો પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. 15 એપ્રિલે મહેસાણાથી CM ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. ત્યાં તેમણે હુંકાર કર્યો કે આ વખતે એવો વિજય અપાવો કે બીજી વખત વિપક્ષને ફોર્મ ભરવાનો વિચાર પણ ના આવે.
ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે નેતાઓએ પોતાની બધી લાજ શરમ નેવે મૂકી હતી. ચૂંટણી જીતવા માટે નીતિ ભૂલ્યા હતા. હરિફાઇ ન રહે તે માટે સામા પક્ષના ઉમેદવારોને લોભ આપીને, ડરાવી ધમકાવીને સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવાઇ હતી. ગઇકાલના રાજકીય ઘટનાક્રમને જોતા એક વાત તો ચોક્કસથી કહી શકાય કે આ વખતની ચૂંટણી ગુજરાતની અસ્મિતાને લાંછન લગાવે તેવી ચૂંટણી બની રહેવાની છે.