ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ બાદ હવે પરિણામની ઘડીઓ ગણાઈ રહી છે. લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓની આતુરતાનો અંત લાવતા બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધોરણ 12 સાયન્સનું પરિણામ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં, જ્યારે ધોરણ 10નું પરિણામ મે મહિનાના અંત સુધીમાં જાહેર થવાની પૂરેપૂરી શક્યતા છે.
બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ ઉત્તરવહી તપાસણીની કામગીરી યુદ્ધના ધોરણે પૂરી કરવામાં આવી છે. હાલમાં ડેટા એન્ટ્રી અને પરિણામના ફાઈનલ ટેબ્યુલેશનની કામગીરી ચાલી રહી છે. શિક્ષણ વિભાગનો લક્ષ્યાંક છે કે નવા શૈક્ષણિક સત્ર પહેલા વિદ્યાર્થીઓના હાથમાં પરિણામ આવી જાય જેથી આગળના એડમિશનની પ્રક્રિયા સમયસર શરૂ થઈ શકે.
આ વર્ષે ગુજરાત બોર્ડ માત્ર પરિણામ જ નહીં, પરંતુ માર્કશીટમાં પણ કેટલાક ફેરફાર કરવા જઈ રહ્યું છે. હવે વિદ્યાર્થીઓની માર્કશીટ પર QR કોડ લગાવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. આ અત્યાધુનિક સુવિધા પાછળના મુખ્ય કારણોમાં કોઈપણ શૈક્ષણિક સંસ્થા માત્ર QR કોડ સ્કેન કરીને માર્કશીટની સત્યતા તપાસી શકશે. જે રીતે અગાઉ નકલી માર્કશીટના કૌભાંડો સામે આવતા હતા, તેને રોકવામાં આ કયુઆર કોડ રામબાણ ઈલાજ સાબિત થશે. સ્કેન કરતા જ બોર્ડનું ઓફિશિયલ પેજ ખૂલશે, જ્યાંથી માર્કશીટ ડાઉનલોડ પણ કરી શકાશે.
શિક્ષણ જગતના નિષ્ણાતો માની રહ્યા છે કે, QR કોડની વ્યવસ્થાથી વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને વેરિફિકેશનની લાંબી પ્રક્રિયામાંથી મુક્તિ મળશે. હવે દુનિયાના કોઈપણ ખૂણેથી તમારી શૈક્ષણિક વિગતો માત્ર એક ક્લિક પર ઉપલબ્ધ હશે. પારદર્શિતા વધારવા અને ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગમાં ગુજરાત બોર્ડનું આ પગલું સીમાચિહ્નરૂપ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવાથી ગત વર્ષ કરતા આ વર્ષે પરિણામો બે-ત્રણ દિવસ મોડા જાહેર થવાની સંભાવના છે.