શહેરના માંડાડુંગર વિસ્તારમાં આવેલી હરસિદ્ધિ સોસાયટી, શેરી નંબર 4માં આવારા તત્ત્વોનો ભારે આતંક સામે આવ્યો છે. વિસ્તારની મહિલાઓએ રણચંડી બની પરચો દેખાડ્યા બાદ ઘટનાની જાણ થતા પોલીસે તમામ લુખ્ખાઓને ઝડપી લઇ સીધા દોર કરી દીધા હતા.
મળતી માહિતી મુજબ, કેટલાક લુખ્ખા તત્ત્વો સોસાયટી વિસ્તારમાં ખુલ્લી છરી સાથે ખતરનાક રીતે સ્ટંટ કરી રહ્યા હતા. સ્થાનિક રહીશોએ આ જોખમી હરકતોનો વિરોધ કરી તેઓને અટકાવ્યા હતા. આ બાબતે ખોટું લાગી જતા અસામાજિક તત્ત્વો ઉશ્કેરાઈ ગયા હતા અને થોડી જ વારમાં છરી સહિતના ઘાતક હથિયારો સાથે સોસાયટીમાં સ્થાનિકો પર હુમલો કરવા પહોંચી ગયા હતા.
આ દરમિયાન ગુંડાઓએ હદ વટાવતા સોસાયટીની મહિલાઓ સાથે પણ ગેરવર્તન કર્યું હતું અને ગંભીર પરિણામ ભોગવવાની ધમકીઓ આપી હતી. પરિસ્થિતિ બેકાબૂ બનતા અને પોતાની તથા પરિવારની સુરક્ષા જોખમમાં મુકાતા અંતે મહિલાઓએ હિંમત દાખવીને રણચંડીનું રૂપ ધારણ કર્યું હતું. મહિલાઓએ એકઠા થઈને સ્વબચાવમાં હુમલાખોરો પર પથ્થરમારો શરૂ કર્યો હતો, જેના કારણે ગુંડાતત્ત્વોને ત્યાંથી જીવ બચાવીને ભાગવા મજબૂર થવું પડ્યું હતું.
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ છવાઈ ગયો હતો. બનાવ અંગે તાત્કાલિક આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસે ત્વરિત એક્શન લીધા હતા અને સઘન તપાસ હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ આતંક મચાવનાર તમામ લુખ્ખાઓને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે. સ્થાનિકોએ પોલીસની આ કડક અને ઝડપી કાર્યવાહીને બિરદાવી રાહતનો શ્વાસ લીધો છે.