ફોર્મ પરત ખેંચવાની તક પહેલા કોંગ્રેસના 65 ઉમેદવારો નજરકેદ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત પહેલાં જ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. સુરત અને રાજકોટ મહાનગરપાલિકાના જંગમાં નિલેશ કુંભાણી જેવો ‘ખેલ’ ફરી ન પડે અને ભાજપ દ્વારા કોઈ પણ પ્રકારનું ગાબડું ન પાડી શકાય તે માટે કોંગ્રેસે હાઈકમાન્ડના આદેશથી ‘મિશન અજ્ઞાત’ હાથ ધર્યું છે. આ વ્યૂહરચના હેઠળ પક્ષના અંદાજે 65 જેટલા મજબૂત ઉમેદવારોને એકાએક સુરક્ષિત અને ગુપ્ત સ્થળોએ ખસેડીને એક પ્રકારે ‘નજરકેદ’ કરી દેવામાં આવ્યા છે, જેથી મતદાન પૂર્વે ઉમેદવારોની વફાદારી અકબંધ રાખી શકાય.

રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીને લઇ માહોલ ગરમાયો. આજે ફોર્મ ચકાસણી કાર્યવાહી પૂર્ણ થતા કોંગ્રેસ દ્વારા ફોર્મ પરત ખેંચવા સમય સુધી ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવા ફરજ પડી છે. રાજકોટ શહેર કોંગ્રેસના વર્તુળોમાં ચર્ચાતી વિગત મુજબ જેટલા જુના અને પીઢ કોંગ્રેસી આગેવાનોની ટિકિટ આપી છે, તેને બાદ કરતા બાકીના 25 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા છે જેમને બુધવારે સાંજે પરત રાજકોટ લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 15 એપ્રિલ છે.

અમારા ઉમેદવારને દબાવવાના પ્રયાસ શરુ કરવામાં આવ્યા હતા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદિપસિંહ જાડેજાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રીના સમયે ભાજપના મોટા માથાઓ દ્વારા અમારા ઉમેદવારને દબાવવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. જેથી, તાત્કાલિક અમે અમારી કોંગ્રેસ અને યુથ કોંગ્રેસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ભાજપને દાદાગીરી ન કરવા જણાવ્યું હતું. ભાજપ હાર ભાળી ગઈ છે માટે તે કોઈ પણ હદ સુધી જઈ શકે તેમ છે માટે ખાસ અમે નિર્ણય કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *