રાજકોટ ચેમ્બરની મનપા કમિશ્નરને રજૂઆત

રાજકોટના વેપાર જગત માટે અત્યારે ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ જેવી સ્થિતિ સર્જાઈ છે. એકતરફ ઓનલાઇન માર્કેટને કારણે સ્થાનિક વેપાર 50% ઘટી ગયો છે, તો બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા ભાડાની કોમર્શિયલ પ્રોપર્ટી પર વસૂલવામાં આવતો બમણો ટેક્સ વેપારીઓની કમર તોડી રહ્યો છે.

આ અન્યાયી ટેક્સ માળખાને નાબૂદ કરવા માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને ઉગ્ર રજૂઆત કરી છે.

તર્ક શું છે? : માલિક વાપરે તો સિંગલ, ભાડૂઆત વાપરે તો ડબલ! ચેમ્બર પ્રમુખ વી.પી. વૈષ્ણવે રજૂઆતમાં જણાવ્યું હતું કે, જો કોઈ દુકાન કે ઓફિસનો ઉપયોગ તેનો માલિક પોતે કરે તો મનપા સિંગલ ટેક્સ વસૂલે છે, પરંતુ જો એ જ મિલકત કોઈ વેપારીને ભાડે આપવામાં આવે તો ટેક્સ સીધો બમણો કરી દેવાય છે. જો મનપા આ માંગણી સ્વીકારે તો રાજકોટના હજારો નાના-મોટા વેપારીઓને સીધો આર્થિક ફાયદો થશે.

રાજકોટના સર્વાંગી વિકાસ માટે ડબલ ટેક્સ હટાવો તાત્કાલિક અસરથી ડબલ ટેક્સ નાબૂદ કરી ‘સિંગલ ટેક્સ’ અમલી બનાવવો જોઈએ. જો વેપારીઓને રાહત મળશે તો જ રાજકોટનો સર્વાંગી વિકાસ શક્ય બનશે અને નવી કંપનીઓ અહીં આવશે.- વી.પી. વૈષ્ણવ, પ્રમુખ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *