સોમવારે રાષ્ટ્રપતિજી દ્રૌપદી મુર્મુ રાજકોટમાં આવી રહ્યા છે. તેઓ ગુજરાતની સૌપ્રથમ એઇમ્સમાં યોજાનાર પ્રથમ પદવીદાન સમારોહ માટે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ બપોરે 3 કલાકે રાજકોટ હીરાસર એરપોર્ટ પર આવશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફત સીધા એઇમ્સ પહોંચશે. આ ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ હાજર રહેશે. 50 વિધાર્થીઓને એમ.બી.બી.એસ સ્નાતક ડિગ્રી અપાશે, જેમાંથી 10ને ગોલ્ડ મેડલ મળશે. 25 ફેબ્રુઆરી 2024ના રાજકોટ એઇમ્સનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
BAPS સ્વામિનારાયણ મંદિર, રાજકોટ દ્વારા રેસકોર્સ મેદાન ખાતે તા. 11 થી 17 એપ્રિલ 2026 દરમિયાન ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના પ્રારંભ પૂર્વે આજે બપોરે 3:00 વાગ્યે BAPS મંદિરથી રેસકોર્સ સુધી ભવ્ય પોથી યાત્રા નીકળી હતી. જેમાં 2,500થી વધુ મહિલાઓ અને યુવતીઓ પરંપરાગત વેશભૂષામાં જોડાઇ હતી. મુખ્ય આકર્ષણ તરીકે આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ વક્તા અપૂર્વમુનિ સ્વામી સતત 6 દિવસ સુધી હૃદયસ્પર્શી પ્રવચનો આપશે. આ ઉપરાંત, 3 થી 13 વર્ષના બાળકો દ્વારા દરરોજ પારિવારિક શાંતિ યજ્ઞ યોજાશે, જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ છે.