રાજકોટ રેન્જ પોલીસે જેતપુર તાલુકાના ખારચીયા રોડ પરથી 500 લીટર દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે દારૂ, મોબાઈલ ફોન અને એક કાર સહિત કુલ રૂ. 4,00,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસે બાતમીના આધારે, એક ઇકોસ્પોર્ટસ કારમાં દેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો હોવાની માહિતી મળતા પોલીસે જેતપુર-બગસરા રોડ પર ખારચીયા ગામ તરફ જતા રસ્તે વોચ ગોઠવી હતી.
વોચ દરમિયાન, શંકાસ્પદ ઇકોસ્પોર્ટસ કાર નંબર GJ-11-AB-8238 ને અટકાવી તપાસ કરવામાં આવતા તેમાંથી 500 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલક દિપક ઉર્ફે મોતીયો ગુણવંતરાય વોરા (રહે. રામપરા, તા. ધોરાજી, મૂળ રહે. જેતપુર)ની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં દારૂનો જથ્થો સપ્લાય કરનાર અને મંગાવનાર, દિલુભાઈ બોરીચા (રહે. ધારી-બગસરા) અને કિશન ડાયાભાઈ રાઠોડ (રહે. જેતપુર)ના નામ પણ ખુલ્યા હતા. પોલીસે મુખ્ય આરોપી સહિત ત્રણેય શખ્સો વિરુદ્ધ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.