રાજકોટમાં ફ્લાઈટની સંખ્યા વધી છતાં મુસાફરો ઘટ્યા, એક માસમાં 9 હજાર પ્રવાસી ઘટી ગયા!

ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવની સીધી અસર હવે રાજકોટના હવાઈ ક્ષેત્ર પર પણ જોવા મળી રહી છે. હિરાસર સ્થિત ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનોની અવરજવરમાં વધારો થવા છતાં મુસાફરોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. ગત ફેબ્રુઆરી માસની સરખામણીએ માર્ચમાં ફ્લાઈટની સંખ્યામાં 32નો વધારો થયો હતો, પરંતુ મુસાફરોની સંખ્યામાં 9305નો તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં 1.25 લાખ યાત્રિકોએ હવાઈ મુસાફરી કરી હતી જે માર્ચમાં ઘટીને 1.16 લાખ થઇ ગયા હતા.

માર્ચના અંતમાં સમર શેડ્યૂલ લાગુ થતાની સાથે જ રાજકોટથી નવી મુંબઈની બે નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. હાલમાં દરરોજ સરેરાશ 13થી 14 ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. જેમાં મુંબઈની 5, દિલ્હીની 4 અને હૈદરાબાદ-બેંગ્લોરની 1-1 ફ્લાઈટ સામેલ છે. જોકે, પ્રવાસીઓના ફેવરિટ ડેસ્ટિનેશન એવા ગોવાની ફ્લાઈટ હાલ બંધ કરાઈ છે, જે મે માસમાં ફરી શરૂ થવાની શક્યતા છે. પુના માટેની ફ્લાઈટ હવે સપ્તાહમાં ચાર દિવસ ઓપરેટ થઈ રહી છે. ગત માર્ચ માસમાં 376 ફલાઈટના ઉડ્ડયનમાં 1.16 લાખ મુસાફરો નોંધાયા હતા. જેમાં 58450 મુસાફરનું આગમન અને 57962 મુસાફરનું પ્રસ્થાન નોંધાયું હતું. રાજકોટ પાસે ઈન્ટરનેશનલ એરપોર્ટ હોવા છતાં હજુ સુધી એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થઈ શકી નથી.

એક્સપ્લેનર; ફ્લાઈટ્સ વધી પણ મુસાફરો કેમ ઘટ્યા? આ રહ્યા કારણ

માર્ચ મહિનો એટલે શૈક્ષણિક અને નાણાકીય વર્ષનો અંતિમ પડાવ. ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ હોવાથી ફેમિલી વેકેશન પ્લાન થતા નથી.

વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ‘યર એન્ડિંગ’ના હિસાબોમાં વ્યસ્ત હોવાથી બિઝનેસ ટ્રાવેલિંગમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે.

યુદ્ધની સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધતા એરલાઇન્સ કંપનીઓએ ‘ફ્યુઅલ સરચાર્જ’માં વધારો કર્યો છે.

હિરાસર એરપોર્ટનો મોટો ટ્રાફિક ‘ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ’ અને ‘ઈમ્પોર્ટ-એક્સપોર્ટ’ના બિઝનેસ પર નિર્ભર છે. યુદ્ધની સ્થિતિમાં વૈશ્વિક બજારો અસ્થિર થતા વિદેશ પ્રવાસના બુકિંગ કેન્સલ થયા અથવા હોલ્ડ પર મુકાયા છે, જેની અસર ડોમેસ્ટિક કનેક્ટિવિટી પર પણ જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *