ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનું હનુમાન જયંતિના કાર્યક્રમમાં વિવાદાસ્પદ નિવેદન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે આગામી દિવસોમાં પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલશે. જોકે, હનુમાન જયંતિના કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા ડભોઇના ધારાસભ્યના એક નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ધારાસભ્ય શૈલેષ મહેતાએ જાહેરમાં આપેલું નિવેદન હાલ ચર્ચાની એરણે ચઢ્યું છે.

શૈલેષ મહેતા હનુમાન મંદિરે દર્શનાર્થે ગયા હતા બાલવીર યુવક મંડળ દ્વારા હનુમાનજીના મંદિરે દર્શન તેમજ આરતી માટેનું શૈલેષ મહેતાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેઓએ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આજે અહિયાં આશીર્વાદ લેવા આવ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી રાત્રે 12 વાગ્યે આરતી કરવામાં આમંત્રણ મને મળતું હતું. આજે મને કહેવામાં આવ્યું કે આ ત્રીજી વાર છે, ખરાબ લાગે એટલે આવવું પડે. મેં 25 મિનિટ પહેલા ગાડી સ્ટાર્ટ કરી અને પોણા 12 વાગ્યામાં પાંચ મિનિટની વાર હતી, ત્યારે અહીં આવી ગયો છું. એટલે હનુમાનજી એમની સ્પીડે મને અહિયાં મૂકી ગયા છે.

ધારાસભ્યએ આડકતરી રીતે કહ્યું- ચૂંટણીમાં બતાવી દેજો શૈલેષ મહેતાએ ધાર્મિક કાર્યક્રમમાં પણ જાણે ચૂંટણી પ્રચાર કરી દીધો હતો. તેઓએ પોતાના ઉદબોધનમાં કહ્યું હતું કે, “જયશ્રી રામ સાથે સંકળાયેલા તમામ ઉમેદવારો સારી રીતે જીતે એવા આશીર્વાદ. જેને જયશ્રી રામ બોલવામાં તકલીફ હોય એનું પણ જયશ્રી રામ કરી નાખજો.”

અગાઉ પણ અનેક નિવેદનોથી શૈલેષ મહેતા ચર્ચામાં રહ્યા ધારાસભ્ય શૈલેષ મહેતા અગાઉ પણ પોતાના અનેક નિવેદનોના કારણે ચર્ચામાં રહ્યા છે. પોતાના વિસ્તારમાં કટ્ટર હિન્દુ નેતા તરીકેની છબી ધરાવતા શૈલેષ મહેતા અવારનવાર પોતાના ધાર્મિક કટ્ટર નિવેદનોથી લોકો સુધી સંદેશ પહોંચાડતા રહ્યા છે, ત્યારે સામી ચૂંટણીએ આવેલા આ નિવેદનના કારણે તેઓ પુનઃ ચર્ચામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *