શહેરમાં વ્યાજખોરી અને ધમકીનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં ગવર્નમેન્ટ કોન્ટ્રાક્ટરે માત્ર રૂ.2.80 લાખ લીધા હોવા છતાં આરોપીએ વ્યાજ પેટે રૂ.18.50 લાખથી વધુ વસૂલ્યા બાદ ટ્રેક્ટર કબજે કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પીડિતે પોલીસનો સહારો લીધો છે.
આ બનાવમાં શહેરના કાલાવડ રોડ ગુલાબ વાટિકા શેરી નં.4માં રહેતા મોહનભાઈ ધરમશીભાઈ હાપલિયા(ઉં.વ.54) દ્વારા માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રેલનગરના પ્રતિપાલસિંહ સજુભા ગોહિલનું નામ આપ્યું હતું. મોહનભાઈએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પોતે સરકારી કોન્ટ્રાક્ટર છે. વર્ષ 2023માં દરમિયાન મજૂરોના પગાર માટે નાણાંની જરૂરિયાત ઊભી થતાં મોહનભાઈની આરોપી સાથે ઓળખાણ થઈ હતી. આરોપી પ્રતિપાલસિંહ સજુભા ગોહિલ રેલનગરમાં પાનની દુકાન ધરાવતો હોય અને પોતે ફાઇનાન્સનો વ્યવસાય પણ કરતો હોવાનું કહી જરૂરિયાત વખતે રૂપિયા આપવાની વાત કરી હતી. ત્યારબાદ મોહનભાઈએ તબક્કાવાર કુલ રૂ.2.80 લાખ રૂપિયા માસિક 3 ટકા વ્યાજે લીધા હતા.શરૂઆતમાં મોહનભાઈ વ્યાજ સમયસર ચૂકવતા હતા, પરંતુ બાદમાં આરોપીએ વધુ વ્યાજની માગણી શરૂ કરી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીએ એક દિવસના રૂ.3 હજાર પ્રમાણે મહિને રૂ.2.40 લાખ વ્યાજ માગ્યું હતું, જે ડરના કારણે ચૂકવ્યું હતું. ત્યારબાદ દર મહિને રૂ.50 હજાર વ્યાજ તરીકે વસૂલવામાં આવતું રહ્યું હતું. મોહનભાઈએ જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં તેઓએ કુલ રૂ.18.50 લાખથી વધુ રકમ વ્યાજ પેટે ચૂકવી દીધી હોવા છતાં આરોપી વધુ રૂપિયાની માગણી કરતો હતો. આ દરમિયાન આરોપીએ કોઠારિયા રોડ પર આવેલી સાઇટ પરથી તેમનું ટ્રેક્ટર(નંબર GJ-13-A-1901) બળજબરીથી કબજે કરી લીધું હતું.
વધુમાં આરોપી પ્રતિપાલસિંહ દ્વારા ફોન પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે તેમજ ઘર સુધી આવી ધમકાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. આ મામલે પીડિતે અગાઉ પોલીસ કમિશનરને અરજી કર્યા બાદ હવે સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.