રાજકોટ મહાનગરપાલિકાના વહીવટી માળખામાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. હાલ શહેરમાં આગામી પ્રથમ મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાય અને નવા કાઉન્સિલરો ચૂંટાઈને આવે ત્યાં સુધી વહીવટદારની નિમણુંક કરવામાં આવતી હોય છે. પહેલા આ સ્થાને રેમ્યા મોહનને જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે હવે આ સમયગાળા માટે વહીવટદાર તરીકે ડો. રાજેન્દ્રકુમાર, IAS ની નિમણૂક કરવામાં આવી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
અગાઉ રાજ્ય સરકાર દ્વારા 7 માર્ચ 2026ના બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર, રેમ્યા મોહન મોથાદથ, IAS ની રાજકોટ મનપાના વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમણે 12 માર્ચ, 2026થી પોતાનો કાર્યભાર પણ સંભાળ્યો હતો. જોકે, તાજેતરમાં તેમને ચૂંટણી પંચ દ્વારા આસામ, કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ તેમજ 2026ની પેટાચૂંટણીઓ માટે જનરલ ઓબ્ઝર્વર (સામાન્ય નિરીક્ષક) તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. 17 માર્ચ, 2026ના સરકારી આદેશ અનુસાર આ નિમણૂક થતા, તેઓ રાજકોટ ખાતે વહીવટદાર તરીકે સેવા આપી શકે તેમ ન હોવાથી આ ફેરફાર અનિવાર્ય બન્યો હતો.
ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, 1949ની કલમ 7એ ની પેટા-કલમ (1) ના ક્લોઝ (ii) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને સરકારે હવે ડો. રાજેન્દ્રકુમારને આ જવાબદારી સોંપી દેવામાં આવી છે. ડો. રાજેન્દ્રકુમાર હાલમાં ગાંધીનગર ખાતે ટ્રાન્સપોર્ટ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ 31 માર્ચ, 2026 એટલે કે આજથી રાજકોટ મહાનગરપાલિકાના વહીવટદાર તરીકેનો પોતાનો ચાર્જ સંભાળશે. વહીવટી કામગીરીમાં સાતત્ય જળવાઈ રહે તે માટે રાજકોટના કલેક્ટર, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને અન્ય સંબંધિત કચેરીઓને પણ આ વહીવટી ફેરફારની જાણ કરવામાં આવી છે.
રેમ્યા મોહનની રાષ્ટ્રીય કક્ષાની ચૂંટણીલક્ષી જવાબદારીને ધ્યાને લેતા રાજ્ય સરકારનો આ નિર્ણય વહીવટી દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જેને લઇ આ આદેશની નકલ રાજ્યના વિવિધ મહત્વના વિભાગો અને અધિકારીઓને રવાના કરવામાં આવી છે. જેમાં રાજ્યપાલના મુખ્ય સચિવ, મુખ્યમંત્રીના મુખ્ય સચિવ, તમામ મંત્રીઓના અંગત સચિવો, મુખ્ય સચિવ, રાજ્ય ચૂંટણી પંચના સચિવ અને અન્ય ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આ નોટિફિકેશનને 30 માર્ચ, 2026ના રોજ અસાધારણ સરકારી ગેઝેટ પાર્ટ-1 A સેન્ટ્રલ સેક્શનમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.