રાજકોટ મહાપાલિકાની ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ બની છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતીકાલથી બે દિવસ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જેમાં પ્રદેશ ભાજપ દ્વારા 9 નિરીક્ષકોની નિમણુંક કરવામાં આવી છે.
તે 9 નિરીક્ષકોમાં રાજ્ય સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલા, જીતુભાઈ પટેલ, જીમેશભાઈ સેવક, પૂર્વ સાંસદ ભાવનાબેન, યુવા મોરચાના મહામંત્રી ડો.નરેશ દેસાઈ, રાજેન્દ્રભાઈ પટેલ, નટુજી ઠાકોર, સુરેશભાઈ પટેલ અને સીતાબેન પટેલ ઉપસ્થિત રહી દાવેદારોને સાંભળી રાજકોટના 18 વોર્ડની યાદી બનાવી પ્રદેશમાં મોકલી આપશે.
આવતીકાલથી બે દિવસ સેન્સ પ્રક્રિયા ચાલશે આવતીકાલે સવારે 9 વાગ્યાથી શરુ થનાર સેન્સ પ્રક્રિયા માટે શહેર ભાજપ દ્વારા દરેક વોર્ડના કાર્યકર્તાઓને સૂચના આપવામાં આવી છે અને દરેક વોર્ડ વાઇઝ ચોક્કસ સમય આપવામાં આવ્યો છે જે આપેલા સમય મુજબ વોર્ડના દાવેદારો સમયસર ઉપસ્થિત રહી કાર્યાલય ખાતે વોર્ડના પ્રભારી, પ્રમુખ, મહામંત્રીને સાથે રાખી ફોર્મ જમા કરાવી શકશે. આ માટે સક્રિય સભ્ય નંબર અને કોર્પોરેશનની મતદારયાદીના ભાગ ક્રમ નંબર તેમજ ચુંટણી કાર્ડ સાથે રાખવા સુચના આપવામાં આવી છે.
એટલું જ નહિ આરક્ષિત સીટ માટે પ્રમાણપત્ર, ભુતકાળમાં કોઇ પણ જાતના ગુના હોય તો પોલીસ વિગત કે રિપોર્ટ સાથે જોડવા પણ સૂચના આપવામાં આવી છે. અને નિરીક્ષકો સમક્ષ માત્ર વ્યક્તિગત રજુઆત જ કરવાની રહેશે સમર્થકોના જૂથ સાથે રજુઆત કરવા મનાઈ ફરમાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.