ગાંધીજીએ સ્થાપેલી રાષ્ટ્રીય શાળામાં 2 સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

રાજકોટના વિદ્યાનગર રોડ પર આવેલી અને મહાત્મા ગાંધીના સત્યાગ્રહ સા્થે જોડાયેલી ઐતિહાસિક રાષ્ટ્રીય શાળાના સંકુલમાં કામ કરતા બે સગીરો સાથે બે શખસોએ સતત ત્રણ મહિના સુધી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. પોલીસે કુકર્મ આચરનારા બે શખસોને ઝડપી પાડ્યા છે. ચોંકાવનારી વાત એ કે, બંને આરોપીઓએ સગીરો સાથે આચરેલા કુકર્મના વીડિયો બનાવ્યા હતા. જે પણ પોલીસને હાથ લાગ્યા છે. બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં એક આરોપી સ્ટોન કિલર કેસનો સાક્ષી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ભોગ બનનાર બંને સગીરો રાષ્ટ્રીય શાળાના પરિસરમાં મજૂરી કામ કરતા હતા. આ દરમિયાન તેઓ સંદીપ વિનોદભાઇ કણસાગરા ઉર્ફે લાલા પટેલ અને જયેશ પ્રાણભાઇ મજેઠિયા નામના શખ્સોના સંપર્કમાં આવ્યા હતા. આરોપીઓએ આ માસૂમ સગીરોને ખાવા-પીવાની લાલચ આપી હતી અને ત્યારબાદ પરિસરમાં આવેલી રૂમમાં લઈ જઈ અવારનવાર સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ છેલ્લા 3 મહિના કરતા વધુ સમયથી સગીરોનું શારીરિક શોષણ કરી રહ્યા હતા.

આરોપીઓ માત્ર શોષણ કરીને જ અટક્યા નહીં, પરંતુ તેઓ બંને સગીરોને ડરાવી-ધમકાવીને ચૂપ રાખતા હતા. સગીરોએ પોલીસ સમક્ષ કેફિયત આપી કે આરોપીઓ વારંવાર એવી ધમકી આપતા હતા કે, જો આ વાત કોઈને કહેશો તો જાનથી મારી નાખીશું. આ ડરના છાયામાં સગીરો લાંબા સમય સુધી આ નરક જેવી યાતના સહન કરતા હતા. આ દરમિયાન આરોપીઓએ પોતાના કુકર્મનો વીડિયો પણ બનાવ્યો હતો, જે હવે પોલીસના હાથમાં આવ્યો છે. આ વીડિયો આ કેસમાં સૌથી મહત્વનો ટેકનિકલ પુરાવો સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *