રાજકોટમાં છેલ્લા 20 વર્ષથી પોતાના પતિથી અલગ રહેતી 45 વર્ષીય પરિણીતા દ્વારા શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 64 (2)(M), 115 (2), 351 (2) સહિતની કલમ અંતર્ગત જુબેર કુરેશી (ઉવ.33) નામના વ્યક્તિ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે મામલામાં પોલીસે તેની ધરપકડ કરી જેલહવાલે કર્યો છે. ઝડપાયેલો શખ્સ રીક્ષા ડ્રાઇવર છે અને પરણિત છે. જેની સામે અગાઉ અમદાવાદમાં સાઇબર ફ્રોડનો ગૂનો નોંધાઈ ચૂક્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે.
પરણિતાને 4 વર્ષ પહેલા રિક્ષાચાલક સાથે પરિચય થયો હતો શહેરમાં રહેતી 45 વર્ષીય પરણિતાને 4 વર્ષ પહેલા ધાર્મિક સ્થળે દર્શન માટે જતી વખતે એક ઓટો રિક્ષા ચાલક સાથે પરિચય થયો હતો. રિક્ષા ચાલક જુબેર કુરેશીએ શરૂઆતમાં ભાડું ન લઈને તેણીનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ જુબેર કુરેશી તેણીના ઘરે આવી ગયો હતો અને તેણી પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતુ. આ સાથે જ આરોપીએ વીડિયો બનાવીને ધમકી આપીને મૌન રહેવા મજબૂર કરી હતી.
જે બાદ છેલ્લા ચાર વર્ષ દરમિયાન આરોપી વારંવાર ઘરે આવી ધમકી આપી અને બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો રહ્યો હોવાનો આક્ષેપ છે. તાજેતરમાં પણ આરોપીએ પીડિતાને માર માર્યો હતો અને તેના હાથની આંગળી તોડી નાખી હતી. આ ઘટનાના પગલે પીડિતાએ સામાજિક સંસ્થાઓનો સંપર્ક કર્યો હતો અને બાદમાં પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. જે બાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગૂનો દાખલ થયો હતો.