સોરઠીયાવાડીની ‘શ્રી રાધે ક્રિષ્ના ડેરી ફાર્મ’નો દૂધનો નમૂનો ફેઈલ, ફોરેન ફેટની ભેળસેળ ખુલતા કાર્યવાહી

રાજકોટમાં ખાદ્યપદાર્થોમાં કરાતી ભેળસેળ સમયાંતરે સામે આવતી હોય છે. ત્યારે હવે શક્તિવર્ધક ગણાતા દૂધમાં પણ ભેળસેળ હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. તાજેતરમાં મનપાના ફૂડ ઓફિસરોએ મવડી બાયપાસ રોડ પર આવેલા ડીએમ પાર્ક-1, સોરઠિયાવાડી વિસ્તારમાં સ્થિત ‘શ્રી રાધે ક્રિષ્ના ડેરી ફાર્મ’માંથી ‘ફૂલ ક્રીમ મિલ્ક (લૂઝ)’નો નમૂનો લઈ લેબોરેટરીમાં મોકલ્યો હતો. જેને લેબ રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ એટલે કે ફેઈલ જાહેર કરાયો છે. અહીંના દૂધમાં ફોરેન ફેટની ભેળસેળ હોવાનું ખુલતા મનપા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ફૂડ વિભાગની તપાસ દરમિયાન લેવામાં આવેલા આ નમૂનામાં ટેસ્ટ ફોર ફોરેન ફેટની માત્રા નિયત ધારાધોરણો કરતાં વધુ જોવા મળી હતી. આનો અર્થ એ થાય છે કે દૂધમાં કુદરતી ફેટના સ્થાને અન્ય કોઈ તેલ કે ચરબીની ભેળસેળ કરવામાં આવી હોવાની શક્યતા છે. ત્યારે ફૂડ એનાલિસ્ટના રિપોર્ટના આધારે નમૂનાને ‘સબસ્ટાન્ડર્ડ’ જાહેર કરી, ડેરી સંચાલક વિરુદ્ધ એજયુડિકેશન એટલે કે ન્યાયિક કાર્યવાહી કરવાની તજવીજ ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.

ફૂડ વિભાગ દ્વારા આજે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ વધુ 3 શંકાસ્પદ નમૂનાઓ લઈ લેબોરેટરીમાં મોકલ્યા છે. જેમાં વાવડી વિસ્તારના 80 ફૂટ રોડ પર આવેલી મધુવન ડેરી ફાર્મ અને ઉમિયાજી ડેરી ફાર્મમાંથી ‘ફૂલ ક્રીમ મિલ્ક’ ના નમૂના લેવાયા છે, તેમજ રૈયા રોડ પર જનકપુરી ખાતે આવેલી જય દ્વારકાધીશ ડેરી ફાર્મમાંથી ગાયના દૂધનો નમૂનો લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *