રાજકોટમાં ચૂંટણી પૂર્વે રૂ. 751 કરોડનાં અનેક પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહુર્ત મુખ્યમંત્રીનાં હસ્તે કરાશે

રાજકોટ સહિત રાજ્યની મહાપાલિકાઓમાં આગામી 31 માર્ચ સુધીમાં ચૂંટણીના પડઘમ વાગવાની પૂરેપૂરી સંભાવના છે. હાલમાં આ મહાનગરોમાં ચૂંટાયેલી પાંખનું અસ્તિત્વ નથી અને વહીવટદારો દ્વારા શાસન ચલાવાઈ રહ્યું છે. જોકે, હજુ સુધી સત્તાવાર રીતે આચારસંહિતા લાગુ થઈ ન હોવાથી, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા વિકાસ કાર્યોને વેગ આપી જનતા સમક્ષ નવા પ્રોજેક્ટ્સ મૂકવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. આ ક્રમમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજકોટ તેડાવી કરોડોનાં લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાવવા મનપા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

28 માર્ચે CM ભુપેન્દ્ર પટેલ રાજકોટ આવે તેવી શક્યતા પ્રાપ્ત વિગત અનુસાર, આચારસંહિતા પહેલા અનેક મોટા કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાવવા મનપા તંત્ર દ્વારા ગત સપ્તાહે સમય માંગવામાં આવ્યો હતો. પરંતુ સમય ન મળતા લોકાર્પણ અને ખાતમુહૂર્ત પેન્ડીંગ છે. હવે તા.28 શનિવારે સંભવત: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ આવે તેવી શક્યતા છે.

રૂ.751 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત જેને લઈને કોર્પોરેશન ઉપરાંત જિલ્લા કલેકટર તેમજ પોલીસ તંત્ર દ્વારા ફરી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટના મહેમાન બને ત્યારે તેમના હસ્તે કોર્પોરેશનના રૂ.751 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરવામાં આવશે. સાથે જ મુખ્યમંત્રીની જાહેર સભાનું પણ આયોજન ગોઠવાય તેવી સંભાવના છે.

રાજકોટના મહેમાન બનનારા મુખ્યમંત્રીના હસ્તે કુલ રૂ. 751 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. આ પૈકી મોટાભાગના કામો તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી બેઠકમાં મંજૂર કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *