રાજકોટ મહાપાલિકાની આર્થિક કરોડરજ્જુ ગણાતી વેરા વસુલાત શાખા માટે ચાલુ નાણાંકિય વર્ષનો લક્ષ્યાંક પૂર્ણ કરવો પડકારજનક બની રહ્યો છે. વર્ષ 2025-26 પૂર્ણ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તંત્રએ રૂ. 455 કરોડના ટાર્ગેટ સામે હજુ લાંબી મજલ કાપવાની બાકી છે.
લક્ષ્યાંક સુધી પહોંચવા માટે હજુ અંદાજે રૂ. 45 કરોડની વસૂલાત જરૂરી પ્રાપ્ત વિગતો મુજબ, આજ દિન સુધીમાં કુલ 4,44,297 કરદાતાઓએ રૂ. 410 કરોડનો મિલકતવેરો ભરપાઈ કર્યો છે. લક્ષ્યાંક સુધી પહોંચવા માટે હજુ અંદાજે રૂ. 45 કરોડની વસૂલાત જરૂરી છે. જો આગામી 10 દિવસમાં દરરોજ સરેરાશ રૂ. 4 કરોડથી વધુની આવક થાય તો જ આ આંકડો હાંસલ કરી શકાય તેમ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 32,912 વધુ કરદાતાઓએ અંદાજે રૂ. 12.76 કરોડ જેટલો વધુ વેરો જમા કરાવ્યો હોવા છતાં, કુલ લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે સરકારી કચેરીઓનો વર્ષોથી બાકી વેરો મોટી અડચણરૂપ સાબિત થઈ રહ્યો છે.
રજાના દિવસોમાં પણ વેરા વસુલાત શાખા કાર્યરત રાખવાનો નિર્ણય શહેરીજનો માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જાહેર કરવામાં આવેલી ખાસ વ્યાજમાફી યોજના અત્યારે આકર્ષણનું કેન્દ્ર બની છે. બજેટમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ, 31 માર્ચ સુધી મિલકતવેરા અને પાણીવેરાના વ્યાજમાં રૂ. 5000 સુધીની માફી આપવામાં આવી રહી છે. આ યોજનાનો અત્યાર સુધીમાં 27,000 જેટલા કરદાતાઓએ લાભ લીધો છે, જેના થકી મનપાની તિજોરીમાં રૂ. 44 કરોડની આવક થઈ છે. આ રાહત આપવા માટે મહાનગરપાલિકાએ અંદાજે રૂ. 7 કરોડ જેટલી વ્યાજની રકમ જતી કરી છે. તેમજ તંત્ર દ્વારા બાકીદારોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ આ યોજનાનો મહત્તમ લાભ લઈ પોતાની મિલકતોના બોજા હળવા કરે. આ માટે રજાના દિવસોમાં પણ તમામ વોર્ડ ઓફિસો અને વેરા વસુલાત શાખા કાર્યરત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.