કાલાવડ રોડની સોસાયટીના રહીશોનો રામધૂન બોલાવી વિરોધ

રાજકોટના કાલાવડ રોડ પરની પરિશ્રમ સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી રસ્તાની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરવામાં આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંતે થાકી હારીને, સત્તાધીશો અને રાજકીય નેતાઓને સદબુદ્ધિ મળે તે માટે ગઈકાલે રાત્રે સોસાયટીના રહીશોએ ભક્તિનો માર્ગ અપનાવ્યો હતો. જેમાં સોસાયટીનાં લોકોએ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ રે… સહિતનાં ભજનો ગાઈ નેતાઓને સદબુદ્ધિ મળે તે માટે અનોખો પ્રયાસ કર્યો હતો. તેમજ તાત્કાલિક સમસ્યાનો ઉકેલ ન આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી.

વિકાસના દાવાઓ વચ્ચે રસ્તાની બદતર હાલત સોસાયટીના રહીશ ઉપાસનાબા ઝાલાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, છેલ્લા 4 વર્ષથી તેઓ અહીં રહે છે, પરંતુ અત્યાર સુધી પાયાની સુવિધાઓ જેવી કે સારા રસ્તા અને સ્ટ્રીટ લાઈટનો અભાવ જોવા મળ્યો છે. સોસાયટીના પ્રમુખ નિલેશભાઈ અને ભાનુબેનના સતત પ્રયત્નોથી તાજેતરમાં સ્ટ્રીટ લાઈટની સુવિધા મળી છે, પરંતુ રસ્તાની હાલત હજુ પણ અત્યંત દયનીય છે.

રસ્તાઓ પર પડેલા મોટા ખાડાઓને કારણે વાહન ચલાવવું તો દૂર, ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. ખાસ કરીને મહિલાઓ જ્યારે ટુ-વ્હીલર પર પસાર થાય છે, ત્યારે રસ્તાની ખરાબ હાલત જોઈને ફાળ પડે છે કે હમણાં પડી જવાશે. રાત્રિના સમયે અંધારામાં અને ઉબડખાબડ રસ્તા પરથી પસાર થવું જોખમી સાબિત થઈ રહ્યું છે.

પરિવહન સુવિધાનો અભાવ અને રહીશોની હાડમારી રસ્તાની ખરાબ હાલતની અસર સીધી રીતે પરિવહન સુવિધા પર પણ પડી રહી છે. અહીં સિટી બસની સુવિધા તો છે, પરંતુ બસ સોસાયટી પાસે માત્ર 2 મિનિટ જ ઉભી રહે છે અને તરત જ જતી રહે છે. સોસાયટીથી મેઈન રોડ સુધી પહોંચવામાં જ 10 મિનિટ જેટલો સમય લાગે છે, જેના કારણે રહીશો વારંવાર બસ ચૂકી જાય છે. બસને ઓછામાં ઓછી 5 મિનિટનો સ્ટોપેજ આપવામાં આવે જેથી વૃદ્ધો અને બાળકો સરળતાથી બસ પકડી શકે તે માટે તંત્રને વિનંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *