ડોક્ટરની અંગત પળોના વીડિયો મેળવી 25 લાખની ખંડણી માંગી

રાજકોટ શહેર પોલીસ દ્વારા શહેરમાં ન્યુસન્સ બની પત્રકાર તરીકે ઓળખ આપી સામાન્ય લોકોને બ્લેકમેલ કરી ગેરકાયદે રીતે ખંડણી માંગતા પત્રકારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક તબીબ સહિત કુલ 12 લોકો સામે ખંડણી તેમજ ધમકી આપી રૂપિયા પડાવવા અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં રાજકોટના એક નામાંકિત ડોકટરના ક્લિનક પર લેબર રૂમની અંદર હોલ્ડરમાં ગુપ્ત CCTV કેમેરો લગાવી બાદમાં ડોક્ટરની અંગત પળોના વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી ખંડણી રૂપે રૂપિયા 25 લાખની માંગણી કરી 50,000 પડાવવા અંગે ફરિયાદ નોંધી તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આરોપીઓ દ્વારા વર્ષ 2024થી આજ દિન સુધી તબીબને ખોટી રીતે હેરાન કરી બદનામ કરવાના ઇરાદે સતત ત્રાસ આપી રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી જેનાથી કંટાળી આખરે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તબીબ અને પત્રકાર સહિત 12 લોકો સામે ફરિયાદ દાખલ રાજકોટ શહેર ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 308(5), 308(4), 351(2), 356(3), 61 અને આઇટી એક્ટની કલમ 66(E), 67, અને 67(A) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમના વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં સાધુવાસવાણી રોડ પર ગૌતમ ક્લિનિકના ડો.કમલ નાંઢા, હિરેન મકવાણા, અજય ચુડાસમા, હાર્દિક ડોડીયા, જગદીશ તેરૈયા, જીગર સોઢા, ઘનશ્યામ પટેલ, જતીન નથવાણી, સ્વાતિ નથવાણી, અમિત ઠક્કર, ભરતભાઈ તેમજ તપાસમાં ખુલે તે તમામનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *