ગુજરાતની એકમાત્ર રાજકોટ સ્થિત નામાંકિત AIIMS હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટરના આપઘાત પ્રકરણમાં નવો વણાંક આવ્યો છે. એમબીબીએસના ફાઈનલ યરના વિદ્યાર્થી રતનકુમાર મેઘવાલે તેના સહપાઠી પાંચ વિદ્યાર્થીના શારીરિક અને માનસિક ત્રાસના કારણે જ જીવન ટૂંકાવી લીધાનું સુસાઈડ નોટમાં સામે આવ્યું છે. આ મામલે મૃતકના પિતા મોહનલાલ મેઘવાલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 108, 3(5) તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ પાંચેય આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મૃતક યુવાને અગાઉ 2 વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને પોતે માનસિક અસ્વસ્થ હોય મનોચિકિત્સકની દવા પણ ચાલુ હતી. સુસાઇડ નોટમાં તેમની સાથે જ અભ્યાસ કરતી સ્ત્રી મિત્રનો પણ ઉલ્લેખ કરાયો છે. જોકે હાલ પોલીસે કોર્ટના આદેશ મુજબ પાંચેય ઇન્ટર્ન તબીબ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરેલી સુસાઈડનોટમાં લખ્યું કે, હું અને નીલમ(નામ બદલ્યું છે) પરિસ્થિતિનો શિકાર બન્યા, હું તેની માફી માગું છું. પ્રણવે રતનકુમાર-નીલમના ટેન્શનનો ફાયદો ઉઠાવી ગેમ રમી હતી.