સહકારી મંડળી, જિલ્લા બેન્કો, ડેરીઓની ચૂંટણીહવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ યોજાશે

રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓમાં બોડીની મુદત પૂર્ણ થઈ જવા છતાં ચૂંટણી યોજાઈ ન હોવાના પ્રશ્ન વચ્ચે હવે સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા દોઢ મહિના અગાઉ જ પરિપત્ર બહાર પાડી સહકારી મંડળીઓ, જિલ્લા સહકારી બેન્કો, જિલ્લા ડેરીઓ અને માર્કેટ યાર્ડોની ચૂંટણી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પૂર્ણ થયા બાદ જ યોજવાની સૂચના આપવામાં આવી છે.

રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક સહિત રાજ્યભરની અનેક સહકારી સંસ્થાઓની વર્તમાન વ્યવસ્થાપક સમિતિઓની મુદત વર્ષ 2025 દરમિયાન પૂર્ણ થઈ ગઈ હતી. છતાં વિવિધ વહીવટી અને કાનૂની કારણોસર ચૂંટણી જાહેર કરવામાં આવી નહોતી. છેલ્લા છ મહિનાથી આ મુદ્દે રાજકોટ જિલ્લા રજિસ્ટ્રાર કચેરી સમક્ષ ચર્ચાઓ અને ક્વેરીઓ ચાલી રહી હતી. સહકારી કાયદામાં થયેલા તાજેતરના સુધારાઓ બાદ હવે ચૂંટણીનો માર્ગ ખૂલશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી હતી, પરંતુ બીજી તરફ મતદાર યાદી સુધારણા માટે રાજ્યભરમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરી શરૂ થતા વહીવટી તંત્ર વ્યસ્ત બની ગયું છે. આ સ્થિતિમાં સહકારી સંસ્થાઓની ચૂંટણી યોજવી મુશ્કેલ બને તે દલીલ સાથે રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે તા.28 જાન્યુઆરીએ જાહેરનામું બહાર પાડી નિર્ણય જાહેર કર્યો હતો.

રાજકોટ જિલ્લા રજિસ્ટ્રાર બિમલ પટેલના જણાવ્યા મુજબ, આ જાહેરનામા હેઠળ જે સહકારી મંડળીઓની ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે અથવા જે સંસ્થાઓની ચૂંટણી હાથ ધરવાની છે તેવી તમામ સંસ્થાઓને આગામી છ મહિનાની મુક્તિ આપવામાં આવી છે. પરિણામે હાલ ચૂંટણી માટે ચાલતી તૈયારીઓ તાત્કાલિક સ્થગિત કરવામાં આવી છે.

જોકે જાહેરનામામાં આ છ મહિનાનો સમયગાળો ચોક્કસ કઈ તારીખથી કઈ તારીખ સુધી ગણવો તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેના કારણે વહીવટી તંત્ર તેમજ સહકારી વર્તુળોમાં પણ સમયગાળા અંગે થોડી અનિશ્ચિતતા જોવા મળી રહી છે. આ દરમિયાન અનેક માર્કેટ યાર્ડોની વ્યવસ્થાપક સમિતિઓની મુદત પણ પૂર્ણતાના આરે પહોંચી રહી છે. હાલના સંકેતો મુજબ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પૂર્ણ થયા બાદ, સંભવતઃ વર્ષ 2026ના જૂન બાદ રાજકોટ જિલ્લા સહકારી બેન્ક, જિલ્લા ડેરી અને માર્કેટ યાર્ડ સહિતની સંસ્થાઓની ચૂંટણી એકસાથે યોજાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *