વાહનોમાં LED લાઈટના કેસ એક મહિનામાં 80% વધ્યા, સૌથી વધુ ઓવરલોડ વાહનોને 40 લાખનો દંડ

શહેરના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને અકસ્માતો ઘટાડવા માટે રાજકોટ RTO વિભાગે સઘન ચેકિંગ ઝુંબેશ શરૂ કરી છે. RTOના આંકડાકીય વિશ્લેષણમાં સૌથી વધુ આશ્ચર્યજનક બાબત ‘વ્હાઈટ LED લાઈટ’ના કેસમાં થયેલો વધારો છે. જાન્યુઆરી મહિનામાં LED લાઈટના 258 કેસ નોંધાયા હતા, જે ફેબ્રુઆરીમાં વધીને 464 પર પહોંચી ગયા છે. આમ, માત્ર એક જ મહિનામાં આ પ્રકારના ગુનામાં 80% નો તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે.

વર્ષ 2026ના પ્રારંભિક બે મહિના એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન હાથ ધરવામાં આવેલી આક્રમક ચેકિંગ ઝુંબેશમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. RTOના સપાટામાં માત્ર બે મહિનામાં જ 2,629 વાહનચાલક ફસાયા છે, જેમની પાસેથી કુલ રૂ. 92,22,363 જેટલો તોતિંગ દંડ વસૂલવામાં આવ્યો છે. કેસની સંખ્યાની દૃષ્ટિએ ભલે LED લાઈટ આગળ હોય, પરંતુ દંડની રકમની વસૂલાતમાં ઓવરલોડ વાહનોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. નિયમ કરતા વધુ માલ-સામાન ભરીને રસ્તાઓ તોડતા અને જોખમ ઊભું કરતા ઓવરલોડ વાહનો પાસેથી બે મહિનામાં આશરે રૂ.40.54 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. જે કુલ દંડની રકમના 40% કરતા પણ વધુ હિસ્સો ધરાવે છે.

જાન્યુઆરીમાં 1,117 કેસની સામે ફેબ્રુઆરીમાં 1,512 કેસ નોંધીને તંત્રએ પોતાની કામગીરી તેજ બનાવી છે. આ ઝુંબેશ અંતર્ગત લાઇસન્સ વગરના 285 કેસ, ફિટનેસ વગરના 168 કેસ અને પીયુસી (PUC) વગરના 276 કેસ નોંધાયા છે. તંત્ર દ્વારા આ ગાળામાં કુલ 19 વાહનોને ડિટેન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *