સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં ઉનાળાએ જાણે પોતાનું અસલી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. રવિવાર, 8 માર્ચના રોજ રાજકોટવાસીઓએ આકરી ગરમીનો અનુભવ કર્યો હતો, જ્યાં મહત્તમ તાપમાન 40.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આ આંકડો માત્ર આંકડો નથી, પરંતુ છેલ્લા 12 વર્ષનો એક નવો રેકોર્ડ છે, કારણ કે માર્ચ મહિનાના પ્રથમ 10 દિવસમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો હોય તેવું લાંબા સમય પછી બન્યું છે.
રવિવારે રાજકોટમાં ડબલ ઋતુનો અનુભવ થયો હતો. એક તરફ લઘુતમ તાપમાન 18.5 ડિગ્રી રહેતા વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ હતો, પરંતુ સૂર્યનારાયણના પ્રકોપને કારણે બપોર થતા સુધીમાં પારો સીધો 40 ડિગ્રી પર પહોંચી ગયો હતો.
હવામાન વિભાગના ડેટા મુજબ, સમગ્ર ગુજરાતમાં અત્યારે ગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
માર્ચ મહિનામાં જ જો સૂર્યદેવ આટલા આક્રમક હોય, તો એપ્રિલ અને મે મહિનામાં ગરમી કયા સ્તરે પહોંચશે તે ચિંતાનો વિષય છે. રાજકોટવાસીઓએ હવે બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવું હિતાવહ છે. બીજી બાજુ હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે, આ વર્ષનો ઉનાળો ભૂતકાળના ગરમીના તમામ રેકોર્ડ તોડશે.