RMCએ સિવિલ, PWD, GST, PGVCL, સહિતની કચેરીઓ પાસેથી 36 દિવસમાં રૂ. 3.63 કરોડની વસુલાત કરી

રાજકોટ મહાપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા અંતે સરકારી મિલકતોનો બાકી વેરો વસૂલવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા સરકારી વિભાગોને નોટિસ આપી વેરો ભરપાઈ કરવા તાકીદ કરવામાં આવી હતી, જેના પરિણામ સ્વરૂપ છેલ્લા 36 દિવસમાં સિવિલ હોસ્પિટલ, પીડબલ્યુડી, પીજીવીસીએલ જેવી મહત્ત્વની કચેરીઓ પાસેથી રૂ.3.63 કરોડનો બાકી વેરો વસૂલવામાં આવ્યો છે.

માર્ચ એન્ડિંગ સુધીમાં આ આંકડો 10 કરોડને પાર થવાની શક્યતા છે. મનપાની આ કામગીરીને પગલે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 1 એપ્રીલ, 2025થી 7 માર્ચ, 2026 સુધીમાં કુલ વસૂલાતનો આંકડો રૂ. 389 કરોડ પર પહોંચી ગયો છે. જોકે ચાલુ નાણાકીય વર્ષનાં અંત સુધીમાં રૂ. 450 કરોડની વસુલાત કરવાનો લક્ષ્યાંક છે, જે પૂરો થશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાના વેરા વસુલાત વિભાગ દ્વારા હાલમાં શહેરભરમાં નોન-રેસિડેન્શિયલ, રેસિડેન્શિયલ અને કોમર્શિયલ મિલકતો પાસેથી વેરો મેળવવા માટે સઘન કાર્યવાહી ચાલી રહી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે સરકારી વિભાગો હસ્તકની મિલકતોના મિલકત વેરા અને પાણી ચાર્જિસની બાકી વિગતો મેળવીને વસૂલાત પ્રક્રિયા ઝડપી કરવામાં આવી હતી. ફેબ્રુઆરી માસમાં જ વિવિધ સરકારી વિભાગો દ્વારા કુલ રૂ. 2.49 કરોડની ચુકવણી કરવામાં આવી હતી. જેમાં પી.ડબલ્યુ.ડી દ્વારા રૂ. 65.47 લાખ, ગર્વનમેન્ટ ઓફ એન્જિનિયરિંગ કોલેજ દ્વારા રૂ. 58.61 લાખ અને PGVCL દ્વારા રૂ. 45.37 લાખની રકમ મનપાની તિજોરીમાં જમા કરાવાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *