રાજકોટમાં મે-2024માં બનેલા હૃદયદ્રાવક ટીઆરપી અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભડથું થયા હતા. આ અગ્નિકાંડ બાદ મહાપાલિકાના તત્કાલિન ચિફ ફાયર ઓફિસર અને ડે. ચિફ ફાયર ઓફિસરની ધરપકડના પગલે બન્નેને સસ્પેન્ડ કરાયા પછી મહાનગર પાલિકામાં છેલ્લા બે વર્ષથી કાયમી ચિફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી પડી છે. અને ઇન્ચાર્જથી ગાડુ ગબડાવાઈ રહ્યું છે.
આ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા મહાપાલિકામાં એડિશનલ ચીફ ફાયર ઓફિસરની વધારાની પોસ્ટ ઉભી કરવાની મંજૂરી આપવામાં આવતાં મહાનગરપાલિકાએ ભરતી પ્રક્રિયા શરૂ કરી ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આગામી દિવસોમાં એડિશનલ ચીફ ફાયર ઓફિસરની ભરતી થતા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની કામગીરી હળવી થશે અને લોકોને આગ સહિતનાં બનાવમાં વધુ ઝડપી મદદ મળી રહેશે.
અગ્નિકાંડના પગલે મહાપાલિકા તંત્ર વિવાદમાં આવ્યું હતું પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટમાં બનેલા ટીઆરપી અગ્નિકાંડના પગલે મહાપાલિકા તંત્ર વિવાદમાં આવ્યું હતું અને પોલીસે ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને બેદરકારી સહિતના મામલે ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર અને ડે. ચીફ ફાયર ઓફિસર બાબુભાઈ ઠેબા, ટાઉન પ્લાનર સાગઠિયા સહિત સાત અધિકારીઓની ધરપકડ કરી જેલ હવાલે કરતાં તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પછી લાંબા સમયથી મહાનગરપાલિકામાં ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી પડી છે.