રાજકોટમાં સ્ક્રેપના બિઝનેસમાં રોકાણના નામે સગાએ જ શિશામાં ઉતાર્યા

રાજકોટમાં સ્ક્રેપના બિઝનેસમાં રોકાણની લાલચ આપી પતિ – પત્નીએ 2 વેપારી ભાઈઓ સહિત 5 બિઝનેસમેન સાથે રૂ.3.48 કરોડની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં સ્ક્રેપના બિઝનેસમાં રોકાણ કરવાથી 8 થી 10 ટકાનું વળતર મળશે તેવી લોભામણી સ્કીમ આપી હતી. જે બાદ રૂ.5.26 કરોડનું રોકાણ કરાવ્યું હતું અને તેમાંથી રૂ.1.78 કરોડની રકમ પરત આપી વિશ્વાસ કેળવ્યો હતો. જોકે તે બાદ બંટી – બબલી રફૂચક્કર થઈ ગયા હતા. જેથી વેપારીએ પોતાના જ નાના ભાઈના સાળા અને તેમના પત્ની વિરુધ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં FIR નોંધાવી છે. જેથી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) તથા ગુજરાત (નાણાંકીય સંસ્થાઓમાં) થાપણદારોના હિતના ૨ક્ષણ બાબત અધિનિયમની કલમ-3 મુજબ ગૂનો નોંધી પતિ -પત્નીને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

રાજકોટના ટાગોર રોડ ઉપર અજીત એપાર્ટમેન્ટમાં રહેતા અને દાણાપીઠમાં રાયચુરા ટ્રેડ નામે પેઢી ધરાવી અનાજ કઠોળનો હોલસેલ વેપાર કરતા વેપારી ધનસુખભાઈ મોરારજીભાઈ રાયચુરા (ઉ.વ.50) એ ડીસીબી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા નાનાભાઈ મનહરભાઇ મોરારજીભાઈ રાયચુરાના સાળા પ્રિયંકભાઈ રમેશભાઈ કારીયા કે જેમની મવડી મેઇન રોડ પર ભકિતનંદન કોમ્પલેક્ષમાં શ્રી ગીરીરાજ વાસ દુકાન છે અને તેમના પત્ની ડીમ્પલબેન પ્રિયંકભાઈ કારીયાના નામે તે જ કોમ્પલેક્ષમાં શ્રી દ્વારકાધીશ વાસ દુકાન છે. જે બંને વાસણનો વેપાર કરે છે.

પ્રિયંકભાઇએ એપ્રીલ/2025 માં મને જણાવ્યુ હતુ કે, પોતાની પાસે સ્ક્રેપના ધંધાની લાઇન છે અને પોતાની પાસે હાલ રોકાણ કરવા પુરતા રૂપીયા નથી. સ્ક્રેપના બિઝનેસમાં માસીક 9 થી 10 ટકા વળતર આપવાની પણ વાત કરી હતી. જેથી રૂ.35 લાખનું રોકાણ કરાવ્યા બાદ રૂ.30 લાખ પરત ચૂકવ્યા હતા. જ્યારે ડિમ્પલબેનને રૂ.52 લાખ ચૂકવ્યા બાદ રૂ.10 લાખ પરત ચૂકવ્યા આવ્યા હતા. જેથી બંને પાસેથી રૂ.47 લાખ લેવાના બાકી છે. આ જ રીતે મોટા ભાઈ નવનીતભાઈ સાથે પણ આ જ રીતે છેતરપિંડી થઈ છે. જેથી તેમને પણ પ્રિયંકભાઈ અને ડિમ્પલબેન પાસેથી રૂ.1.08 કરોડ લેવાના બાકી છે.

આ સિવાય બંટી – બબલી હિરેનભાઈ ભરતભાઈ કોટકને રૂ.1.65 કરોડનું નું રોકાણ કરાવી રૂ.95 લાખ પરત આપ્યા. જોકે અશ્વિનભાઈ દલસુખભાઈ બુધ્ધદેવ પાસે રૂ.30 લાખ અને અતુલભાઈ જમનાદાસભાઈ ઉનડકટ પાસે રૂ.93 લાખનું રોકાણ કરાવી એક પણ રૂપિયો પરત ન આપ્યો. જે બાદ પતિ – પત્ની રફૂચક્કર થઈ જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *