સમગ્ર દેશ અને દુનિયામાં તા.8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવાય છે ત્યારે વિવેકાનંદ યૂથ ક્લબ દ્વારા રવિવારે રાજકોટ શહેરમાં નારી ઉત્કર્ષ, સેવા, સંગીત, શિક્ષણ અને સાહિત્ય સહિતના ક્ષેત્રમાં કાર્યરત 5 પ્રતિભાશાળી મહિલાઓનું ‘નારી રત્ન એવોર્ડ’ આપી તેઓના નિવાસસ્થાને જઇને સન્માનિત કરવામાં આવશે.
આ 5 પ્રતિભાશાળી મહિલાઓમાં બ્રહ્માકુમારી સંસ્થા સાથે જોડાયેલ લોકોને વ્યસન મુક્ત કરાવનાર, શાંતિનો રાહ ચિંધનાર તથા આધ્યાત્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા બ્રહ્માકુમારી અંજુદીદી તેમજ સાહિત્ય, કલા અને નારી ઉત્કર્ષ માટે સતત કાર્યરત ડો.ગીતાબેન ગીડા, શિક્ષિકા તરીકે કાર્યરત રહી હજારો દીકરીઓના જીવનના ઘડતરમાં નિમિત્ત બની અને નિવૃત્તિ બાદ પણ સેવા પ્રવૃત્તિ સાથે જોડાયેલા પન્નાબેન પંડ્યા તથા કવિયત્રી, લેખિકા, વક્તા, ઉદઘોષક અને ઓજસ્વિની ફાઉન્ડેશનના માધ્યમથી નારી ઉત્કર્ષનું કાર્ય કરતા હેમલબેન દવે તથા કુદરતે જેને દ્દષ્ટિમાં થોડી ખામી આપી છતાં સંગીત અને શિક્ષણમાં નાની વયે યોગદાન આપનાર ડો.ધ્વનિ વછરાજાનીનો સમાવેશ થાય છે.
આ મહિલાઓના નિવાસસ્થાને જઇ સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના મહાનુભાવના હસ્તે કુમકુમ તિલક કરી, ખેસ પહેરાવી, પુસ્તક, પુષ્પગુચ્છ, શ્રીફળ, સાકરનો પડો, સ્મૃતિભેટ, નારી રત્ન એવોર્ડ આપી ભાતીગળ અને પરંપરાગત સન્માન કરાશે. આયોજનમાં સંસ્થાના અનુપમભાઇ દોશી, પંકજ રૂપારેલિયા સહિત અનેક લોકો કાર્યરત છે.