રાજકોટના જામનગર રોડ પરના નવા કોર્ટ બિલ્ડિંગમાં આજે સાંજના સમયે આગની ઘટના બનતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના કોર્ટ બિલ્ડિંગના 5માં માળે એમ. ડી. જાદવની કોર્ટ ચેમ્બરમાં બની હતી. પ્રાથમિક વિગતો મુજબ ચેમ્બરમાં લાગેલા એસીમાં અચાનક શોર્ટ સર્કિટ થવાને કારણે બ્લાસ્ટ થયો હતો અને જોતજોતામાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ કોર્ટ રૂમમાં હાજર લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને તાત્કાલિક અસરથી કોર્ટ રૂમ ખાલી કરવામાં આવ્યો હતો.
આગ વિકરાળ રૂપ ધારણ કરે તે પહેલા મિનિટોમાં કાબૂ મેળવી લીધો આગની ઘટનાની જાણ થતા કોર્ટના સ્ટાફ દ્વારા ફાયર એક્સટિંગ્વિશરની મદદથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી તેમજ ફાયર ફાઈટરોએ સતર્કતા દાખવી આગ વિકરાળ રૂપ ધારણ કરે તે પહેલા મિનિટોમાં તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ સમગ્ર દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
રાજકોટના રાજમાર્ગ ગણાતા રેસકોર્સ રિંગ રોડ ઉપર આજે વહેલી સવારે 4:30 વાગ્યે એક વિશાળ હોર્ડિંગ બોર્ડ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.સદનસીબે, આ દુર્ઘટના વહેલી સવારે બની હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતા એસ્ટેટ શાખાના મેનેજર મેહુલ ગાંધીએ સ્થળ મુલાકાત લીધી હતી અને તપાસના આદેશ આપ્યા હતા. તંત્ર દ્વારા જીએસટી ભવન પાસેના સીસીટીવી ફૂટેજ મેળવવા માટે મેઈલ કરવામાં આવ્યો છે જેથી ચોક્કસ કારણ જાણી શકાય.