સુરત સાયબર ક્રાઈમની ટીમે જ્યારે મધ્યપ્રદેશના રીવા ખાતે શિલ્પી ઉપવનના ફ્લેટમાં દરોડો પાડ્યો ત્યારે દૃશ્ય ચોંકાવનારૂ હતું. એક જ નાના રૂમમાં જમીન પર ગાદલા પાથરીને નવ જેટલા સાયબર ગઠિયાઓ દેશભરમાં ઠગાઈનું નેટવર્ક ચલાવી રહ્યા હતા. પોલીસ અંદર પ્રવેશી ત્યારે બે આરોપી તો નિરાંતે સૂતા હતા, જ્યારે અન્ય લેપટોપ અને મોબાઈલ પર મશગૂલ હતા. આ ગેંગે સુરતના એક નિવૃત્ત રેલવે અધિકારીના જીવનભરની કમાણીના 8 લાખ રૂપિયા પળવારમાં સેરવી લીધા હતા.
સુરતના વેસ્ટર્ન રેલવેના નિવૃત્ત મિકેનિકલ ફિટર ગ્રેડ-1ના અધિકારી ગત 30 નવેમ્બરે નિવૃત્ત થયા હતા. તેમને પ્રોવિડન્ટ ફંડ પેટે 28 લાખ રૂપિયા મળ્યા હતા, જેમાંથી તેમણે 20 લાખની એફડી કરાવી હતી. બાકીના 8 લાખ રૂપિયા પોતાના ખર્ચ માટે રાખ્યા હતા. જોકે, 5મી ડિસેમ્બરે ગઠિયાઓએ રેલવે DRM ઓફિસના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી પેન્શન એક્ટિવેટ કરવાના નામે ફોન કર્યો હતો. લિંક મોકલી અને ઓટીપી માગીને વૃદ્ધના ખાતામાંથી 8.12 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.
આ ગેંગ શિકારને ફસાવવા માટે અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતી હતી. તેઓ ભોગ બનનારને ડરાવી કે લાલચ આપીને એક ફેક ડિજિટલ લિંક મોકલતા હતા. જેવી વ્યક્તિ આ લિંક પર ક્લિક કરે, કે તરત જ આરોપીઓ તે વ્યક્તિના મોબાઈલ ફોનનું રિમોટ એક્સેસ મેળવી લેતા હતા. આ એક્સેસની મદદથી તેઓ ફોન હેક કરી દેતા અને પીડિતના બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી લેતા હતા. ઓટીપી પણ તેઓ જાતે જ રીડ કરી લેવાની ક્ષમતા ધરાવતા હતા.