રાજકોટ નજીક આવેલા શાપરમાં એક શખ્સે ગાય સાથે અધમ કૃત્ય આચરી ધાર્મિક લાગણી દુભાવી હતી. પરંતુ પોલીસે આ શખ્સ સામે માત્ર દારૂ પીવાનો કેસ કરી અન્ય ઘટના પર પડદો પાડી દેવાનો પ્રયાસ કર્યો હતો. માહિતી મુજબ મંગળવારે મોડી રાત્રે શાપર વિસ્તારમાં પુલ નીચે આવેલા મહાદેવ મંદિર પાસે અંધારાનો લાભ લઈ એક વ્યક્તિ ગાય સાથે અયોગ્ય કૃત્ય કરતો હોવાનું કેટલાક સ્થાનિક લોકોએ જોયું હતું. નજીકમાં આવેલા મોમાઈ પાન પાસે ઊભેલા કેટલાક લોકોએ આ દૃશ્ય જોયા બાદ અન્ય ગૌપ્રેમીઓને જાણ કરી હતી. થોડા જ સમયમાં લોકો ત્યાં દોડી આવ્યા હતા અને એક વ્યક્તિને પકડી રાખી પોલીસને જાણ કરી હતી.
જયેન્દ્રભાઇ નામના ગૌપ્રેમી સહિતના સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઘટનાસ્થળે પહોંચેલા કેટલાક લોકોએ આ બનાવનો વીડિયો પણ પોતાના મોબાઇલમાં રેકોર્ડ કર્યો હતો. બાદમાં શાપર પોલીસ સ્ટેશનને જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. લોકોનો દાવો છે કે પોલીસે જાણ કરનારાઓના નિવેદન લીધા બાદ આરોપીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો.
આ બનાવ શાપર પોલીસ સ્ટેશનથી માત્ર અંદાજે 100 મીટર જેટલા અંતરે જ બન્યો હતો.સ્થાનિકોનું કહેવું છે કે, આટલી ગંભીર ઘટનામાં કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ હતી, પરંતુ પોલીસે આરોપી સામે માત્ર પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ તેને છોડી દેવાયો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર શાપર-વેરાવળ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ ભોજાભાઈ જીવણભાઈ ત્રમટાએ રાત્રે 2.45 વાગ્યે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોલીસ સ્ટેશન ઓફિસર આર.બી. જાડેજાએ વર્ધી આપી હતી કે પોલીસ મથકથી થોડે અંતરે એક શખસ દારૂ પીને માથાકૂટ કરી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના વનગામ જમરા ફળિયાના મૂળ રહેવાસી અને હાલ શાપર-વેરાવળમાં રહેતા તેમજ ચાંદભાઈના વેલ્ડિંગના કારખાનામાં કામ કરતા મહેશ જામસિંગ જમરા (ઉ.વ.35) નામના વ્યક્તિને ઝડપી પાડ્યો હતો, પરંતુ સ્થાનિક ગૌપ્રેમીઓનો દાવો છે કે હકીકતમાં મહેશ જમરા ગાય સાથે અધમ કૃત્ય કરતા ઝડપાયો હતો અને તે બાબત પોલીસને જણાવી હતી. આમ છતાં પોલીસે આ ગંભીર મુદ્દાને અવગણી માત્ર પીધેલાનો કેસ નોંધ્યો હતો. કેટલાક લોકોએ આ ઘટનાનો વિડિયો પણ ઉતાર્યો છે ત્યારે શાપરના પીઆઈને બદલે કોઈ ફરજનિષ્ઠ અધિકારી તપાસ કરે તો સત્ય વિગત બહાર આવી શકે તેમ છે.