ભારતીય વાયુ સેના (IAF)નું એક સુખોઈ Su‑30MKI ફાઈટર જેટ ગુરુવારે આસામમાં અચાનક રડાર પરથી ગાયબ થઈ ગયું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાનનો રડાર સંપર્ક તૂટ્યા બાદ તરત જ સ્થિતિનો પત્તો લગાવવા માટે શોધ અને તપાસ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, Su-30 MKI, જે 4.5 જનરેશનનું એરક્રાફ્ટ છે, તે કાર્બી આંગલોંગ જિલ્લામાં ઉડાન ભરતી વખતે સાંજે લગભગ 7 વાગ્યે ગાયબ થઈ ગયું હતું. કેટલાક અહેવાલો અનુસાર, એરક્રાફ્ટ ક્રેશ થયું છે અને સ્થાનિક લોકોએ ધડાકો પણ સાંભળ્યો હતો.
સૂત્રો અનુસાર, આ ફાઈટર જેટ નિયમિત ઉડાન અથવા મિશન પર હતું, ત્યારે અચાનક તેનો ગ્રાઉન્ડ કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો. રડાર સાથેનો સંપર્ક સમાપ્ત થયા પછી, વાયુ સેનાએ તરત જ એલર્ટ જાહેર કરીને ઘટનાની તપાસ માટે IAF ટીમને આસામ રવાના કરી છે.
ભારતીય વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું કે હાલમાં વિમાનની ચોક્કસ સ્થિતિ અને સંપર્ક તૂટવાનું કારણ શોધી કાઢવામાં આવી રહ્યું છે. વિસ્તારમાં શોધ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે જેથી વિમાન અને તેમાં સવાર પાયલટો વિશે માહિતી મળી શકે.