રાજકોટની હેડ પોસ્ટ ઓફિસમાં સ્લિપ નહીં ભરવાની, અંગૂઠો લગાવો અને પૈસા મેળવો

રાજકોટની હેડ પોસ્ટ ઓફિસ હવે ડિજિટલ અવતારમાં બેંક કરતા પણ અપગ્રેડ થઇ છે. પોસ્ટના 40 હજાર જેટલા બચત ખાતાધારકો માટે હવે બેંકિંગ વ્યવહાર એટલો સરળ બની ગયો છે કે તમારે પેન પકડવાની પણ જરૂર નહીં પડે.

માત્ર એક બાયોમેટ્રિક સ્કેન (અંગૂઠાની છાપ)થી તમે તમારા ખાતામાં પૈસા જમા કરાવી શકશો કે ઉપાડી શકશો. બસ, કાઉન્ટર પર જઈને અંગૂઠો સ્કેન કરો અને સેકન્ડોમાં તમારા નાણાકીય વ્યવહાર પૂરા કરો.

ઘણીવાર બેંકોમાં સહી ન મળવાને કારણે કે સ્લિપમાં વિગતો ખોટી ભરાવાને કારણે ધક્કા ખાવા પડતા હોય છે. રાજકોટ હેડ પોસ્ટ ઓફિસે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી દીધો છે.

આધારકાર્ડ લિંક હોય તેવા ખાતાધારકો હવે ઈ-કેવાયસી (e-KYC) ના માધ્યમથી ફોર્મ ભર્યા વગર જ વ્યવહાર કરી શકે છે. ખાસ કરીને જે લોકો ભણેલા નથી અથવા જેમને સહી કરવામાં તકલીફ પડે છે, તેમના માટે આ ‘થમ્બ ઇમ્પ્રેશન’ સુવિધા આશીર્વાદ સમાન છે.

જમાનો બદલાયો છે અને તેની સાથે આપણી જૂની અને જાણીતી પોસ્ટ ઓફિસ પણ હવે ‘હાઈટેક’ અવતારમાં સજ્જ થઈ ગઈ છે! જો તમે હજુ પણ એવું વિચારતા હોવ કે પોસ્ટ ઓફિસમાં પૈસા ઉપાડવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહીને પસીનો પાડવો પડશે તો એવું નહીં બને.

રાજકોટની હેડ પોસ્ટ ઓફિસે બેંકોને પણ પાછળ છોડી દે તેવી સુવિધા શરૂ કરી છે, જ્યાં હવે કાગળ કે પેનની કોઈ જરૂર નથી. તમારો ‘અંગૂઠો’ જ તમારી બેંકની ચાવી છે. ભલે તે પેન્શનર હોય, વિદ્યાર્થી હોય કે પછી સામાન્ય બચત કરતો મધ્યમ વર્ગ દરેક માટે પોસ્ટ ઓફિસ હવે ‘યુઝર ફ્રેન્ડલી’ બની ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *