પોલીસ-PGVCLના ડ્રોન દરોડામાં 2.28 કરોડની વીજ ચોરી ઝડપાઈ

રાજકોટ સ્થિત PGVCL ની કચેરી દ્વારા છેલ્લા બે મહિનામાં રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી રૂ.2.28 કરોડની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. બંને જિલ્લાના 7 ગામો એવા છે કે જ્યાં વીજ કર્મચારીઓને ચેકિંગ માટે પ્રવેશવા દેવામાં આવતા ન હતા અને તેથી પીજીવીસીએલ દ્વારા પોલીસની મદદ લેવામાં આવી.

બંને જિલ્લાના એસ.પી.ની મદદથી વીજ ચેકીંગ શક્ય બન્યુ. જે માટે પોલીસ દ્વારા ડ્રોન દરોડા પાડવામાં આવ્યા હતા અને 42 SRP જવાનો તેમજ 321 સ્થાનિક પોલીસના જવાનોના લોખંડી બંદોબસ્ત વચ્ચે પીજીવીસીએલની 164 ટીમોએ ચેકિંગ કર્યું હતું. જેમાં 1147 માંથી 327 વિજ જોડાણમાં ગેરરીતિ પકડાઈ હતી.

પીજીવીસીએલના મેનેજીંગ ડાયરેક્ટર કેતન જોશી, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તેમજ રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ લાંબા સમયથી વીજ ચેકિંગની કામગીરી ન કરવા દેતા ગામો જેવાકે સુદામડા, સાયલા, જાની વડલા, નાની મેલડી, થાન, આંકડિયા અને મોટા માત્રા ગામોમાં પોલીસને સાથે રાખી પીજીવીસીએલની ટીમ ત્રાટકી હતી અને વિજ ચોરી પકડી પાડી દંડની વસૂલાત કરવામાં આવી હતી. જેમાં પીજીવીસીએલની 164 ટીમ તેમજ 321 સ્થાનિક પોલીસના જવાનો, 35 જીયુવીએનએલ પોલીસ અને 42 એસ.આર.પી. જવાનો સહીતના સુરક્ષાકર્મીઓ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *