રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા વાહન માલિકો માટે મનપસંદ નંબર મેળવવાની સુવર્ણ તક જાહેર કરવામાં આવી છે. મોટર વાહનોની નવી સીરિઝ GJ-03-PR તથા અગાઉની સીરિઝના બાકી રહેલા ગોલ્ડન અને સિલ્વર નંબરો માટે રી-ઓક્શન પ્રક્રિયા આગામી 27 ફેબ્રુઆરીથી શરૂ થશે. જે વાહન ચાલકો પોતાના વાહન માટે ખાસ નંબર મેળવવા ઈચ્છુક હોય, તેઓએ આ માટે ભારત સરકારની અધિકૃત વેબસાઇટ http://parivahan.gov.in/fancy પર જઈને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
નિયત સમયપત્રક મુજબ, ઓનલાઇન એપ્લિકેશન કરવાની પ્રક્રિયા 27 ફેબ્રુઆરીના રોજ સાંજે 4 કલાકથી શરૂ થઈને 3 માર્ચના રોજ સાંજે 4 કલાક સુધી ચાલશે. ત્યારબાદ, બિડિંગ પ્રક્રિયા 3 માર્ચના રોજ સાંજે 4:01 કલાકથી શરૂ થશે અને 5 માર્ચના રોજ સાંજે 4 કલાકે પૂર્ણ થશે. હરાજીનું અંતિમ પરિણામ 5 માર્ચના રોજ સાંજે 4:15 કલાકે ઓનલાઇન જાહેર કરવામાં આવશે.