સામાજિક પ્રેશર વધતા રાજ્ય સરકારે લગ્ન નોંધણીના નિયમોમાં ડ્રાફ્ટ સુધારા વિધાનસભામાં રજૂ કરી દેવાયા છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે અમને પ્રેમથી કોઈ વાંધો નથી પણ કોઈ સલીમ સુરેશ બનીને દીકરીને ફસાવશે તો તેને નહીં છોડીએ. સૂચિત સુધારા મુજબ હવે પ્રેમ લગ્ન માટે અરજી કરશો તો વોટ્સએપ દ્વારા માતા-પિતાને જાણ કરાશે, અરજી કર્યાના 40માં દિવસે મેરેજ સર્ટિફિકેટ મળશે. તો આવો જાણીએ કે લગ્ન નોંધણીના સૂચિત સુધારા કેવા હશે…
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જે લોકો માતા-પિતાની મંજૂરીથી લગ્ન કરતા હોય એવા લોકોને ધક્કા ખાવા ન પડે અને પ્રેમલગ્નમાં પણ જે પોતાની ખોટી ઓળખ બતાવતા નથી એવા લોકોને પણ ધક્કા ખાવા ન પડે એવી સિસ્ટમ બનાવી છે. નવી પદ્ધતિમાં નોટરી કરનારે તમામ લોકોની હાજરીમાં નોટરી કરવી પડશે. જો હાજરી વિના સિક્કો મારશે તો કડક પગલાં લેવાશે. માતા-પિતાના આધાર કાર્ડ અને ફોન નંબર પણ લેવામાં આવે છે. લગ્ન નોંધણીની અરજી આપશે એ જ દિવસે લગ્ન નોંધણી કરનાર દીકરીના માતા-પિતાને સંપૂર્ણ ડિટેઇલ મોકલી દેવાશે.
રાજ્ય સરકાર આગામી દિવસોમાં પ્રેમ લગ્નોની નોંધણી માટે અલગ ઓનલાઇન પોર્ટલ શરૂ કરવાની પણ તૈયારીમાં છે, જેથી સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને ટ્રેક કરી શકાય તેવી બને. જેમાં જેવી રજિસ્ટ્રેશન માટે અરજી આપવામાં આવશે એ જ મિનિટે વોટ્સએપ દ્વારા માતા-પિતાને તેમની દીકરીએ લગ્ન નોંધણી માટે જે વિગત આપી છે તે ડિટેઇલ અપાશે.