રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટા તેમજ ટાઉન પ્લાનિંગ યોજના નં. 6 હેઠળના 15 મીટર પહોળા ટી.પી. રોડની માર્ગરેખામાં આવતા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે મેગા ડિમોલિશનની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વચ્ચે અદાલતમાં દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી દરમિયાન કોઇ મનાઇહુકમ (સ્ટે) આપવામાં આવ્યો નથી, જેથી તંત્ર માટે કાર્યવાહીનો માર્ગ મોકળો બની ગયો છે.
કોર્પોરેશન દ્વારા અગાઉથી સંબંધિત મિલકતધારકોને નોટિસ પાઠવી સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા તક આપવામાં આવી હતી. તા. 19મીથી ટીમો સ્થળ પર પહોંચી રહી છે અને રહેવાસીઓને માર્ગરેખા તથા નદી પટ્ટાની હદ અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપી રહી છે. અંતિમ 3 દિવસની સમયમર્યાદા જાહેર કરવામાં આવી છે.
જો નિર્ધારિત સમયગાળામાં દબાણ દૂર નહીં થાય તો તા. 23થી ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કામગીરીનો ખર્ચ સંબંધિત મિલકતધારકો પાસેથી વસૂલાશે તેમજ કાયદેસરની જોગવાઇઓ મુજબ આગળની કાર્યવાહી થશે.
આ મામલે અસરગ્રસ્તો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જુદી-જુદી ત્રણ અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાંથી એક અરજી પર શુક્રવારે અર્જન્ટ હિયરિંગ હાથ ધરાયું હતું. સરકારપક્ષે સમગ્ર મામલે એફિડેવિટ ફાઇલ કરવા સમય માગ્યો હતો. અદાલતે સંભવિત ડિમોલિશન સામે કોઇ સ્ટે આપ્યો નથી અને વધુ સુનાવણી 27 ફેબ્રુઆરી સુધી મુલતવીરાખી છે.
આ સંજોગોમાં સોમવારથી જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન હાથ ધરાશે તેવી શક્યતા મજબૂત બની છે. તંત્ર દ્વારા વિસ્તારને 7 ઝોનમાં વહેંચી 1130થી વધુ અધિકારીઓ-કર્મચારીઓ, 260થી વધુ મશીનરી, પોલીસ બંદોબસ્ત, મેડિકલ અને ફાયર ટીમ સાથે માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાએ નાગરિકોને અનુરોધ કર્યો છે કે, શહેરના સુવ્યવસ્થિત વિકાસ, ટ્રાફિક સુધારણા અને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા સહકાર આપે તથા સ્વૈચ્છિક રીતે ગેરકાયદેસર દબાણો દૂર કરે.