શહેરના નેહરૂનગર મેઇન રોડ પર આદર્શ ઇલેક્ટ્રિક નામની દુકાને આદિત્ય બિરલા ફાઇનાન્સના હપ્તાના નાણાંની રિકવરી માટે આવેલા બે શખ્સે વેપારીને માર માર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
જંગલેશ્વરમાં રાધાકૃષ્ણનગર મેઇન રોડ પર વેલનાથ ચોક પાસે રહેતા જસપાલ લક્ષ્મણભાઇ જમોડ નામના યુવાને પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મકસુદ અને તેની સાથેના અજાણ્યા શખ્સનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદીએ 2023માં આદિત્ય બિરલા ફાઇનાન્સમાંથી રૂ.3 લાખની બિઝનેસ લોન લીધી હતી અને તેનો દર મહિને રૂ.11500 હપ્તો ભરતા હતા, પરંતુ છેલ્લા નવેક માસથી પૈસાની સગવડ ન હોય હપ્તો ન ભરતા આરોપીઓએ દુકાને આવી તેની ઉઘરાણી કરી ફરિયાદીને અપશબ્દો બોલી છૂટા પથ્થરોના ઘા મારતા ફ્રેક્ચર જેવી ઇજા થઇ હતી.