હપ્તા ભરનારને સજા, નહીં ભરનારને મજા : પ્રમાણિક કરદાતાઓમાં રોષ

રાજકોટ શહેરમાં મિલકતવેરાની વસૂલાત વધારવા માટે શરૂ કરાયેલી વ્યાજમાફી યોજના હવે વિવાદના કેન્દ્રમાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમલમાં મુકાયેલી નવી વ્યવસ્થામાં હપ્તા પદ્ધતિથી વેરો ભરતા કરદાતાઓને વ્યાજમાફીનો લાભ આપવામાં આવતો નથી, જ્યારે વર્ષોથી બાકીદારોને વ્યાજમાં રાહત મળતા પ્રામાણિક કરદાતાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

મહાપાલિકાએ દાયકા બાદ વ્યાજમાફી યોજના જાહેર કરી છે, જેમાં રૂ.5,000 સુધીની વ્યાજરાહતની મર્યાદા રાખવામાં આવી છે. આ યોજના ખાસ કરીને નાના અને મધ્યમ વર્ગના મિલકતધારકોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવી હોવાનું જણાવાયું હતું. જોકે હકીકતમાં હપ્તા યોજનાનો લાભ લેનાર મોટી સંખ્યામાં કરદાતાઓને આ રાહતથી વંચિત રાખવામાં આવતા અસંતોષ વ્યાપ્યો છે.

મહાપાલિકાની હપ્તા પદ્ધતિ યોજના તેવા કરદાતાઓ માટે શરૂ કરવામાં આવી હતી, જે એકસાથે મોટી રકમ ભરી શકતા નહોતા. પ્રથમ હપ્તો ભરતા જ મિલકત પર ચડતું વ્યાજ બંધ થતું અને બાકી રકમ સમયગાળામાં ભરવાની સગવડ મળતી. હજારો નાના મિલકતધારકોએ આ યોજનાનો લાભ લીધો હતો, પરંતુ હવે વ્યાજમાફી યોજના અમલમાં આવતા તેમને કહેવામાં આવી રહ્યું છે કે, હપ્તા યોજનાનો લાભ લીધો છે એટલે વ્યાજમાફીની યોજનાનો લાભ નહીં મળે, પરિણામે જે લોકોએ પ્રમાણિકતા દાખવી હપ્તા ભરવાનું શરૂ કર્યું, તેઓ જ આર્થિક રીતે નુકસાનમાં મુકાયા છે. વ્યાજમાફીનો લાભ લેવા માટે સંપૂર્ણ બાકી વેરો એક સાથે ભરવાની શરત રાખવામાં આવી છે. નાના કરદાતાઓ માટે આ શક્ય ન હોવાથી તેઓને વ્યાજમાફી ગુમાવવી પડે તેવી સ્થિતિ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *