રાજકોટ મહાનગરપાલિકાનું ચાલુ નાણાકીય વર્ષ પૂર્ણ થવાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે વેરા વિભાગ દ્વારા બાકી વેરો વસૂલવાનો લક્ષ્યાંક પૂરો કરવા માટે હાલ કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. 1 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ ઝુંબેશ અંતર્ગત વેરા વિભાગે 16 દિવસમાં 200 મિલકતોને સીલ કરી રૂ. 11.13 કરોડની વસૂલાત કરી છે. બીજીતરફ ગત 11 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવેલી વ્યાજ માફી યોજનાને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેને લઈને માત્ર 5 દિવસ જેટલા ટૂંકા ગાળામાં મનપા તંત્રને કુલ રૂ. 5.94 કરોડની જંગી આવક થઈ છે.
હાલ મનપાની કંગાળ આર્થિક સ્થિતિ વચ્ચે આ યોજના જાણે જીવાદોરી સમાન સાબિત થઈ રહી છે. 31 માર્ચ સુધી ચાલનારી આ યોજના હેઠળ મનપાને રૂ. 50 કરોડ કરતા વધુ આવક થવાની શક્યતા છે.
મનપાનાં વેરા વિભાગના મેનેજર વત્સલ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, વેરા વસૂલાત માટેની કડક ઝુંબેશ શરૂ કરવામાં આવતા તેના પરિણામો જોવા મળી રહ્યા છે. 1 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધીના સમયગાળામાં મનપા દ્વારા કુલ 11.13 કરોડની માતબર વેરા વસૂલાત કરવામાં આવી છે. કામગીરી દરમિયાન શહેરના વિવિધ ઝોનમાં વેરો ન ભરતા આસામીઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવ્યા છે, જેમાં અંદાજિત 200 જેટલી મિલકતોને સીલ મારી દેવામાં આવ્યા છે. ઉપરાંત 1800 જેટલા મિલકતદારોને જપ્તીની નોટિસ ફટકારવામાં આવી છે.