દેશભરમાં મહાશિવરાત્રિનાં પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં પણ આજે મહાશિવરાત્રિને લઈને શિવભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટનાં શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. તો 150 વર્ષથી વધુ પૌરાણિક પંચનાથ મહાદેવ મંદિર ખાતે ભાંગનાં પ્રસાદ તેમજ મહાપૂજા અને હવન સહિતનાં ધાર્મિક કાર્યક્રમો તેમજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો દેવાધિદેવ મહાદેવનાં દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
રાજકોટનાં 150 વર્ષ જુના પંચનાથ મહાદેવ મંદિર ખાતે પૂજા કરતા યોગેશભાઈ ભટ્ટનાં જણાવ્યા મુજબ, પંચનાથ મહાદેવ મંદિર રાજકોટનું 150 વર્ષ કરતા વધારે જૂનું ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે. અહીં શ્રાવણ મહિનો તેમજ મહાશિવરાત્રિનાં દિવસે ભક્તો ખૂબ મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડતા હોય છે. ત્યારે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે-સાથે આજે પંચનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આજે દેવાધિદેવ મહાદેવનો પ્રસાદ ગણાતી ભાંગનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. ભક્તો માટે 1000 લીટર કરતા વધારે દૂધમાંથી સાત્વિક ભાંગ બનાવવામાં આવી છે. મોટી સંખ્યામાં શિવભકતો ભાંગનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવશે.