વ્યાજ માફી યોજનાને જબરો પ્રતિસાદ, માત્ર દોઢ દિવસમાં નાગરિકોએ 2.57 કરોડનો બાકી મિલ્કત વેરો ભરપાઈ કર્યો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને રાહત આપવા માટે મિલ્કત વેરા અને પાણી વેરા પર જાહેર કરવામાં આવેલી વ્યાજ માફી યોજનાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. તા. 11/02/2026 થી અમલમાં આવેલી આ યોજનાને જબરો પ્રતિસાદ મળી રહ્યો છે. અને માત્ર દોઢ દિવસમાં એટલે કે આજે બપોર સુધીમાં નાગરિકોએ રૂ. 2.57 કરોડનો વેરો ભરપાઈ કર્યો છે. આ આંકડા દર્શાવે છે કે મનપાની તિજોરી ભરાવાનું શરૂ થઈ ગયું છે અને લોકો વ્યાજ રાહતનો લાભ લેવા ઉત્સુક છે.

મનપાની યોજના અંતર્ગત રહેણાંક અને બિન-રહેણાંક મિલ્કતધારકોને પ્રોપર્ટી ટેક્સના વ્યાજમાં 5,000 અને પાણી વેરાના વ્યાજમાં 5,000 મળી કુલ 10,000 સુધીની માફી આપવામાં આવી રહી છે. આ વિશેષ રાહત યોજના તા. 31/03/2026 સુધી જ કાર્યરત રહેવાની છે. ત્યારે વધુમાં વધુ લોકોને લાભ લેવા વેરા વસુલાત શાખાએ નાગરિકોને અપીલ કરી છે.

મહાશિવરાત્રીના પાવન પર્વે કતલખાનાઓ અને માંસ-મટનનું વેચાણ બંધ રાખવા આદેશ રાજકોટ મહાપાલિકા દ્વારા તા. 26 ફેબ્રુઆરીનાં રોજ “મહાશિવરાત્રી” ના પવિત્ર તહેવાર નિમિત્તે શહેરના તમામ વિસ્તારોમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસે ધાર્મિક આસ્થા અને પવિત્રતા જળવાઈ રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલા તમામ પ્રકારના કતલખાનાઓ ફરજિયાતપણે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત, જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શહેરના કોઈપણ વિસ્તારમાં માંસ, મટન, મચ્છી અને ચિકનનું વેચાણ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

આ નિર્ણયનો હેતુ તહેવારની ગરિમા જાળવવાનો હોવાથી તેના કડક અમલીકરણ માટે કમિશનર તુષાર સુમેરા દ્વારા સૂચના આપવામાં આવી છે. સંબંધિત તમામ વેપારીઓ અને નાગરિકોએ આ આદેશનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો કોઈ પણ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરતા જણાશે, તો તેની સામે ધી જી.પી.એમ.સી. એક્ટ-1949 ની કલમ 329 અને 336 તથા રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ મુજબ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્ય શાખા દ્વારા તમામ સંબંધિતોને આ બાબતની ગંભીર નોંધ લેવા અને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *