રાજકોટ શહેરમાં માધાપર ચોક નજીક ગત 27 જાન્યુઆરીના રોજ MRFના શો-રૂમ પાસેથી જીવિત નવજાત બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. નવજાત બાળક મળ્યું હોવાની જાણ કરતા 108ની ટીમે તેને સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડયું હતું અને બાદમાં ગાંધીગ્રામ પોલીસે બાળક ત્યજી દેનાર નિષ્ઠુર જનેતાની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી છે, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દૂષ્કર્મના કારણે સગર્ભા બનેલી 15 વર્ષની સગીરાએ બાળકને જન્મ આપ્યા બાદ ત્યજી દીધાનું સામે આવ્યું છે.
હાલ દ્વારકા પોલીસે મૂળ દાહોદ ગરબાડાના શખ્સ વિરૂદ્ધ દુષ્કર્મ, પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ જાડેજાએ શેઠનગરમાં રહેતાં ચેતનભાઈ રાયધનભાઈ જીલરીયાની ફરિયાદ પરથી નવજાત બાળકની માતા અને તપાસમાં ખુલે તેના વિરૂદ્ધ બાળકને અસુરક્ષિત રીતે ત્યજી દેવાનો ગુનો નોંધ્યો હતો.
બાળકનો રડવાનો અવાજ સાંભળી લોકોનું ટોળુ વળ્યું આ ફરિયાદમાં ચેતનભાઇએ જણાવ્યુ઼ હતું કે, હું જામનગર રોડ પર સંતોષીનગર ખાતે ચા-પાણી પીતો હતા ત્યારે સંતોષીનગરની સામે રેલવે પટમાં ઝુંપડપડ્ડી પાસે માણસો ભેગા થયેલ હતા. અહીં રડવાનો અવાજ આવતા માણસો ભેગા થયા હતા. ત્યાં જઈને જોયું તો તાજુ જન્મેલ પુરૂષ બાળક સફેદ જેવી ચાદરમા વીંટાળેલુ હતું, જેને 108માં ઝનાના હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. બાળકનો જન્મ ત્યજી દીધાના દિવસે જ થયો હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
દ્વારકામાં 10 મહિના પહેલા મજૂરી કરવા ગઈ ત્યારે અજાણ્યા શખસે દુષ્કર્મ આચર્યું આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ ટીમે હાથ ધરી CCTV ચેક કરવા ઉપરાંત આસપાસના લોકો પાસેથી માહિતી મેળવી હતી. આ તપાસ દરમિયાન આ બાળકને ત્યજી દેનાર જનેતા સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસ તપાસમાં આ જનેતા 15 વર્ષની સગીરા હોવાનું સામે આવ્યું છે અને તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, અગાઉ દેવભુમિ દ્વારકા પંથકમાં 10 મહિના પહેલા મજુરી કરવા ગઇ હતી ત્યારે મૂળ દાહોદ ગરબાડાના અનિલ રમેશભાઇ ભુરીયા નામના શખ્સે તેની સાથે બળજબરી આચરી શરીર સંબંધ બાંધી લીધો હતો, જેના કારણે ગર્ભ રહી ગયો હતો.