લંડનમાં ઉડાન ભરતા પહેલાં જ એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનમાં આવેલી ટેકનિકલ ખામી હવે આંતરરાષ્ટ્રીય તપાસનો મામલો બની ગઈ છે. બ્રિટનની સિવિલ એવિએશન ઓથોરિટી (CAA) એ એર ઇન્ડિયા પાસેથી આ મામલે એક અઠવાડિયામાં સ્પષ્ટતા માંગી છે.
આ વિમાન રવિવારે લંડનના હીથ્રો એરપોર્ટથી બેંગલુરુ આવ્યું હતું. અહીં પહોંચ્યા પછી સુરક્ષા તપાસ માટે તેને ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું. પાઇલટે લેન્ડિંગ સમયે વિમાનના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ (FCS) માં સંભવિત ખામીની જાણ કરી હતી. વિમાનમાં 200 મુસાફરો સવાર હતા.
હવે બ્રિટિશ CAA એ આ મામલે કડક વલણ અપનાવતા એર ઇન્ડિયાને લખેલા પત્રમાં પૂછ્યું છે – જ્યારે ફ્યુઝ કંટ્રોલ સ્વીચમાં સમસ્યા જોવા મળી હતી, તો વિમાનને લંડનથી ઉડાન ભરવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી?
CAA એ ચેતવણી આપી છે કે જો ભારતીય એરલાઇન કંપની પાસેથી સંપૂર્ણ અને સંતોષકારક જવાબ નહીં મળે, તો એર ઇન્ડિયા અને તેના બોઇંગ 787 કાફલા સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. હાલમાં એર ઇન્ડિયાના કાફલામાં બોઇંગ 787 મોડેલના 33 વિમાન છે. તેમાંથી 28 વિમાન હાલમાં કાર્યરત છે.