રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજે ખાસ કન્ફેક્શનરી સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં કન્ફેક્શનરી ફૂડ કેટેગરીમાં આવતી ચોકલેટ, કેન્ડી અને ટ્રીફલ્સ જેવી ચીજવસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાંથી પ્રીમિયમ ક્વોલિટીની ગણાતી અને આકર્ષક પેકિંગમાં વેચાતી કુલ 14 જેટલી વિદેશી અને સ્વદેશી બ્રાન્ડની મોંઘીદાટ ચોકલેટ તથા અન્ય વસ્તુના નમૂનાઓ લેવામાં આવ્યા છે.
આ નમૂનાઓને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, તેમાં વપરાતા રંગો અને અન્ય ઘટકો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે કેમ તેની ખાતરી કરી જો ભેળસેળ સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
નમૂના લેવાની કામગીરીની સાથે સાથે ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW (ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ) વાન સાથે શહેરના જીવરાજ પાર્ક મેઇન રોડ વિસ્તારમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન કુલ 20 ખાદ્ય પદાર્થના ધંધાર્થીઓના સ્થળ પર જઈને સ્વચ્છતા અને કાયદેસરતાની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે, અનેક વેપારીઓ પાસે યોગ્ય ફૂડ લાઈસન્સનો અભાવ છે. આ બાબતે ફૂડ વિભાગે કડક વલણ અપનાવીને કુલ 11 ધંધાર્થીઓને વહેલી તકે લાઈસન્સ મેળવી લેવા માટે સૂચના આપી નોટિસ ફટકારી હતી. આ ઉપરાંત, મોબાઈલ ટેસ્ટિંગ લેબ દ્વારા સ્થળ પર જ વિવિધ ખાદ્ય ચીજોના કુલ 15 નમૂનાઓની પ્રાથમિક ચકાસણી કરવામાં આવી હતી.