રાજકોટની શાન ગણાતી અને ધર્મેન્દ્ર રોડ પર આવેલી અંદાજે 100 વર્ષ જૂની ઐતિહાસિક સર લાખાજીરાજ શાક માર્કેટ હવે નવા અવતારમાં જોવા મળશે. છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં રહેલી આ માર્કેટના રિનોવેશન માટે રાજકોટ મહાપાલિકા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.
હેરિટેજ લુક જાળવી રાખવા રેટ્રો ફિટિંગ પદ્ધતિનો ઉપયોગ આ ઐતિહાસિક માર્કેટનો હેરિટેજ લુક જાળવી રાખવા રેટ્રો ફિટિંગ પદ્ધતિનો ઉપયોગ થશે. આ માટે મનપા દ્વારા જીએસટી સહિત રૂ. 6 કરોડથી વધુ રકમનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ત્યારબાદ આ મંજુર થયેલું ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવામાં આવશે અને સ્ટેન્ડિંગ દ્વારા મંજૂરીની મહોર લાગ્યા બાદ અંદાજે 18 મહિનામાં લોકોને પોતાની જૂની અને જાણીતી આ માર્કેટ નવા રંગરૂપમાં જોવા મળશે.
પ્રાપ્ત વિગત મુજબ, આ કામગીરી માટે અંદાજે રૂ. 5.63 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. જેના ઉપર GST એડ થતા આ ઐતિહાસિક માર્કેટનાં રીનોવેશનનો ખર્ચ રૂ. 6 કરોડથી વધુ થવાની ધારણા છે. આ હેરિટેજ માર્કેટ હોવાથી તેને તોડી પાડવાને બદલે તેના મૂળ સ્થાપત્યને સાચવીને તેનું આધુનિકીકરણ કરવામાં આવશે. મહત્વનું છે કે, લાખાજીરાજ માર્કેટ રાજાશાહી સમયની હોય તેનું ઐતિહાસિક મહત્વ ખૂબ જ વધારે છે, જેના કારણે તેના રિનોવેશનમાં વિશેષ કાળજી રાખવામાં આવશે.