મહેસુલી ક્ષેત્રે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લઈને ઇનામી જમીન ધરાવતા હજારો કબજેદારોને મોટી રાહત આપી છે. લાંબા સમયથી અટવાયેલી ઇનામી જમીનોના અનધિકૃત કબજાહક્કને હવે સરળ રીતે નિયમબદ્ધ કરી શકાશે. રી-ગ્રાન્ટ કરાયેલી કે રી-ગ્રાન્ટ થવાની પાત્ર હોવા છતાં વિવિધ કારણોસર ન થયેલી જમીનો માટે આ નિર્ણય ગેમચેન્જર સાબિત થવાનો છે.
નવી જોગવાઈ મુજબ, જમીનધારકોએ પ્રવર્તમાન જંત્રીના માત્ર 20 ટકા કબજાહક્કની રકમ ભરવાની રહેશે અને જમીન નિયમબદ્ધ થઈ શકશે. આથી વર્ષોથી કાનૂની ગૂંચવણમાં ફસાયેલા કેસોમાં ઝડપી ઉકેલ આવશે.
ઈનામી જમીન એટલે કે બ્રિટીશ સરકાર અથવા તો રાજા-રજવાડા દ્વારા ભેટમાં આપવામાં આવેલી જમીન અને આ જમીન સામાન્ય રીતે ત્રણ લોકોને ભેટમાં આપવામાં આવતી હતી. (1) ધાર્મિક સ્થાન અને ટ્રસ્ટ, (2) વ્યક્તિગત, (3) ગામની સેવા હેતુ માટે ગામને. 1969માં એટલે કે આઝાદી પછી દેવસ્થાન ઈનામ નાબુદ અધિનિયમ આવ્યો અને ત્યારબાદ ધાર્મિક સ્થાનો અને ટ્રસ્ટને જે જમીન ફાળવવામાં આવેલ હતી તેમાં મહદ્અંશે સરકાર દ્વારા જમીન પરત લઈ લેવામાં આવેલ અને જે જમીન પર સરકારની માલિકી બની ગયેલ. જે લોકોને વ્યક્તિગત જમીન ભેટમાં મળેલ હતી અને તેઓ જમીનમાં ખેતી કરતા હતા તેમને ખેડૂતનો દરજ્જો આપવામાં આવેલ પરંતુ શરતો સાથે.
રાજ્ય સરકારે ઇનામી જમીન ધરાવતા લોકો માટે એક મહત્વપૂર્ણ અને રાહતભર્યો નિર્ણય લીધો છે. વર્ષોથી ઘણા લોકો એવી જમીન પર રહેતા કે ખેતી કરતા હતા, જે ઇનામી હતી પરંતુ કાયદેસર રીતે સંપૂર્ણ રીતે ક્લિયર નહોતી. ક્યાંક રી-ગ્રાન્ટ થઈ નથી, ક્યાંક કબજા કિંમત ભરાઈ ન હતી, તો ક્યાંક વારસદારો કે અન્ય લોકો અનધિકૃત રીતે આવી જમીન પર કબજો રાખી બેઠા હતા. આવી સ્થિતિમાં જમીન વેચવી, લોન લેવી કે કોઈ કામ કરવું મુશ્કેલ બની ગયું હતું.