રાજકોટના ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં શુક્રવારે (30 ફેબ્રુઆરી) સાંજે એક્શન ફિલ્મને ટક્કર મારે એવા દ્રશ્યો સર્જાયા હતા.બેફામ થાર ચાલકે નશાની હાલમાં રસ્તા પર રીતસરનો આતંક મચાવ્યો હતો. શેઠ વડાળા પંથકમાં ચારથી પાંચ વાહનનો અડફેટે લઈ ફરાર થયો હતો. જે બાદ ભાયાવદરના સરદાર ચોકમાં પણ તેનો પીછો કરતી પોલીસની વાનને ટક્કર મારી હતી. થાર ચાલકને કાબૂમાં લેવા માટે પોલીસ ઈન્સપેક્ટરે રિવોલ્વર કાઢી હોવાના વીડિયો પણ સામે આવ્યા છે.
ઘટનાની વિગતો અનુસાર, જામનગરના મહેન્દ્રસિંહ જાડેજા ( થાર ચાલક) દારૂના નશામાં બે-ફીકરાઈથી અને માણસોની જીંદગી જોખમાય તે રીતે તેના હવાલાવાળી થાર (GJ-10-EC-7215) લઈને નીકળ્યો હતો. જેણે શેઠ વડાળા પંથકમાં દારૂના નશામાં ચારથી પાંચ વાહનોને અડફેટે લઈ અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. જેને લઈ શેઠ વડાળા પોલીસની ‘112’ વાન તેનો પીછો કરી રહી હતી. આ અંગે માહિતી ભાયાવદર પોલીસને મળી હતી. જે બાદ PI વી.સી. પરમાર અને તેમની ટીમે અરણી રોડ અને સરદાર ચોક ખાતે નાકાબંધી કરી હતી.
એટલું જ નહીં PI વી.સી પરમાર સહિતના પોલીસ કર્મચારીઓ ભાયાવદર ગામે અરણી રોડની ગોળાઈ પર રસ્તો રોકી ઉભા હતા. ત્યારે અચાનક બેફામ રીતે આવી રહેલા થાર ચાલકને કાબૂમાં લેવા એટલે કે અટકાવવાનો પ્રયાસ કર્યો. જો કે થાર ચાલકે ઉભા રહેવાને બદલે થારને પુરઝડપે ભગાવી અને બે-ફીકરાઈથી હંકારી મૂકી હતી. એ સાથે જ પોલીસની વાને થાર ચાલકનો પીછો કરી તેને અટકાવવાનો પ્રયાસ કર્યો. થારનો પીછો કરતા સમયે સરદાર ચોક ખાતે પહોંચ્યા ત્યારે પોલીસની વાનને પણ આ બેફામ થાર ચાલકે ટક્કર મારી હતી.